કોરેગાંવ ભીમા હિંસા કેસમાં તપાસ પેનલે પૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને કારણદર્શાવો નોટિસ ફટકારી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

કોરેગાંવ ભીમા હિંસા કેસમાં તપાસ પેનલે પૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને કારણદર્શાવો નોટિસ ફટકારી

મુંબઈ: ૨૦૧૮ના કોરેગાંવ ભીમા હિંસાની તપાસ કરી રહેલા કમિશને ગુરુવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને કેસ સંબંધિત દસ્તાવેજો રજૂ કરવાની માંગણી કરતી અરજીનો જવાબ આપવામાં નિષ્ફળ રહેવા બદલ કારણદર્શાવો નોટિસ જારી કરી છે.

હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જે.એન. પટેલની આગેવાની હેઠળના તપાસ પંચે ઠાકરેને લખેલી નોટિસમાં પૂછ્યું હતું કે પ્રકાશ આંબેડકર દ્વારા તેમની સામે જામીનપાત્ર વોરંટ જારી કરવાની માંગ કરતી અરજીને શા માટે મંજૂરી ન આપવી જોઈએ?

વંચિત બહુજન આઘાડીના નેતા અને આ કેસમાં સાક્ષી આંબેડકરે આ વર્ષે ફેબ્રુઆરીમાં અરજી દાખલ કરી હતી જેમાં ઠાકરેને ૨૦૨૦માં એનસીપી (એસપી) ના વડા શરદ પવાર દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો રજૂ કરવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. આંબેડકરના જણાવ્યા મુજબ, પવારે ઠાકરેને સુપરત કરેલા દસ્તાવેજોમાં દાવો કર્યો હતો કે ૨૦૧૮ માં પુણે શહેર નજીક કોરેગાંવ ભીમામાં થયેલી હિંસા માટે કેટલાક જમણેરી સંગઠનો જવાબદાર હતા.

આપણ વાંચો: દશેરા રેલી રદ કરી પૂર પીડિતોને મદદ કરો: ભાજપની ઉદ્ધવ ઠાકરેને સલાહ…

ગુરુવારે કમિશને કહ્યું કે તેણે ૧૨ સપ્ટેમ્બર અને ૨૭ ઓક્ટોબરે ઠાકરેને અરજીનો જવાબ માંગવા માટે બે વાર નોટિસ ફટકારી હતી. જોકે, ઠાકરે નોટિસનો જવાબ આપવામાં નિષ્ફળ ગયા, જેના પગલે આંબેડકરે તેમના વકીલ કિરણ કદમ દ્વારા ઠાકરે સામે જામીનપાત્ર વોરંટ જારી કરવાની માંગણી કરતી અરજી દાખલ કરી. પંચે ઠાકરેને કારણદર્શક નોટિસ ફટકારી પૂછ્યું કે અરજી કેમ મંજૂર ન કરવી જોઈએ.

પંચે આ મામલે આગામી સુનાવણી ૨ ડિસેમ્બર પર મુલતવી રાખી છે અને કહ્યું છે કે જો તે દિવસે ઠાકરે અથવા તેમના કાનૂની પ્રતિનિધિ પેનલ સમક્ષ હાજર ન રહે તો કાયદાકીય રીતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

મહારાષ્ટ્ર સરકારે હિંસાની તપાસ કરવા માટે ફેબ્રુઆરી ૨૦૧૮ માં કમિશનની સ્થાપના કરી હતી. કમિશનનું નેતૃત્વ ભૂતપૂર્વ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જે.એન. પટેલ કરે છે. ભૂતપૂર્વ મુખ્ય સચિવ સુમિત મલિક તેના સભ્ય છે.

Haresh Kankuwala

મુંબઈ-સિટી-ડેસ્ક એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારથી જ કારકિર્દીની શરૂઆત થઇ અને છેલ્લા બે દાયકાથી તેની સાથે સંકળાયેલો છું. મુંબઈમાં બનેલી વિવિધ ઘટનાઓના કવરેજમાં સહયોગ આપ્યો છે. લાંબા સમયથી સિટી ન્યૂઝની ઇન્ચાર્જશિપ સંભાળી છે. More »

સંબંધિત લેખો

Back to top button