કોંકણની હાફૂસ કેરી એપીએમસી માર્કેટમાં પહોંચી, અત્યારે વહેલી કઈ રીતે આવી?

મુંબઈઃ મુંબઈગરાઓ માટે દિવાળીની મીઠી ભેટ કહી શકાય એવી કોંકણની ફેમસ હાફૂસ કેરી વાશીની એપીએમસી માર્કેટમાં પહોંચી ગઇ છે. તહેવારોના સમયમાં કેરીની મોહક સુગંધથી બજારમાં ઉત્સાહનો માહોલ છવાયો છે અને ગ્રાહકોમાં વિશેષ ઉત્સુકતા જોવા મળી રહી છે. દિવાળીના દિવસોમાં આવેલી કેરીની આ પેટીને વિક્રમી ભાવ મળશે, એવું કહેવામાં આવી રહ્યું છે.
હાફૂસ કેરીની મુખ્ય સીઝન માર્ચથી જૂન દરમિયાન હોય છે. પરંતુ, હવામાનના ફેરફારોને કારણે અને કેરીના મોરની યોગ્ય રીતે સંભાળ રાખવામાં આવે તો તે કેટલીકવાર ઓક્ટોબર-નવેમ્બરમાં પણ મર્યાદિત માત્રામાં જોવા મળે છે.
આપણ વાંચો: હેં, નવેમ્બરમાં અહીં મળે છે હાફૂસ કેરીઃ જાણો કેટલો છે ભાવ
દેવગડના પડવણે ગામના શિરસેકરની વાડીમાં જુલાઈ મહિનામાં ત્રણથી ચાર કલમો પર વહેલો મોર આવ્યો હતો. તેમાંથી બે કલમો પરના મોરનું તેમણે પ્લાસ્ટિક કવર લગાવીને રક્ષણ કર્યું હતું.
યોગ્ય કાળજી અને છંટકાવને કારણે તે કલમો પર લગભગ પાંચ પેટી જેટલું ફળ આવ્યું. તેમાંથી પહેલી ૬ ડઝન હાફૂસ કેરીની પેટી તેમણે દિવાળીના પ્રથમ દિવસે, એટલે કે ૨૦ ઑક્ટોબરે વાશી માર્કેટ તરફ રવાના કરી હતી.