Bullet Trainની મહત્ત્વની અપડેટ જાણોઃ થાણે-પાલઘર જિલ્લામાં આ કામકાજના શ્રીગણેશ

મુંબઈ: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન (Bullet Train) પ્રોજેક્ટનું કામકાજ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. તાજેતરમાં મુંબઈના બીકેસી (બાંદ્રા કુર્લા કોમ્લેક્સ) સ્ટેશનનું કામકાજ પૂરપાટ ગતિએ ચાલી રહ્યું છે ત્યારે મુંબઈના વધુ બે મહત્ત્વના સ્ટેશનનું કામકાજ પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ નિર્માણ માટે જરુરી જમીન સંપાદનનું 100 ટકા કામ પૂર્ણ થયું છે ત્યારે મુંબઈ નજીકના થાણે અને પાલઘર જિલ્લામાં એલિવેટેડ કોરિડોરનું નિર્માણ કરવાના કામકાજના શ્રીગણેશ થઈ ગયા છે.

પાલઘર અને થાણે જિલ્લામાં બુલેટ ટ્રેનનો કોરિડોર એલિવેટેડ રહેશે. મુંબઈ નજીક આવેલા શિળફાટાથી મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પર આવેલા ઝારોલી ગામ સુધી કુલ 135 કિલોમીટરને કવર કરવામાં આવશે. જોકે, આ કોરિડોરનું નિર્માણ કાર્ય પડકારજનક રહેશે, કારણ કે પ્રસ્તાવિત કોરિડોરમાં નદી પર બ્રિજ બાંધવાની સાથે ટનલ નિર્માણ તથા એલિવેટેડ સ્ટેશનની કામગીરી હાથ ધરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

બુલેટ ટ્રેનના કોરિડોરમાં છ ટનલ, 11 બ્રિજ અને માર્ગમાં આવતી નદીઓ પર પુલ બાંધવાની સાથે 36 ક્રોસિંગ (ફાટક) નિર્માણ કરવાનું કામ ટૂંક સમયમાં શરૂ થશે. આ ઉપરાંત, વૈતરણા નદી પર 2.32 કિલોમટરનો બ્રિજ બુલેટ ટ્રેન માટે નિર્માણ કરવામાં આવી રહ્યો છે. મુંબઈ-અમદાવાદ માર્ગની બુલેટ ટ્રેનના મહારાષ્ટ્રમાં થાણે, વિરાર અને બોઈસર એમ ત્રણ સ્ટેશન એલિવેટેડ હશે.

શિળફાટાથી લઈને ગુજરાતના ઝરોલી ગામ સુધી 135 કિલોમીટરના કોરિડોરમાં બુલેટ ટ્રેન માટે કોરિડોરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ માર્ગમાં 124 કિલોમીટરના અનેક બ્રિજ અને નદી ઉપરથી પસાર થતાં બ્રિજનું બાંધકામ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં મુંબઈના વિસ્તારના થાણે, વિરાર અને બોઈસર આ ત્રણ સ્ટેશનના નિર્માણ સાથે માર્ગમાં છ કિલોમીટર લાંબી ટનલનું પણ નિર્માણ કરાશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ કામકાજ માટે 19 જુલાઈ 2023ના કરાર કરવામાં આવ્યો હતો. આ કરાર હેઠળ કામકાજ શરૂ કરવા માટે 100 ટકા જમીનનું સંપાદન પૂર્ણ થઈ ગયું છે, જેમાંથી 78 કિલોમીટરના માર્ગની જમીનને સાફ અને સમતલ કરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ સાથે 50 ટકા જેટલી જમીનનું ભૌગોલિક તપાસ પણ પૂર્ણ થયાની સાથે 19 વિસ્તારોમાં બાંધકામ પૂર્ણ થયાની સાથે બાકીના 42 વિસ્તારમાં કામકાજ ચાલુ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનની કામગીરીની સમીક્ષા કરી હતી, જ્યારે પહેલા તબક્કામાં 2026માં ગુજરાતમાં બિલિમોરાથી સુરત વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાની અપેક્ષા પણ વ્યક્ત કરી હતી.