મુંબઈ ગોવા નેશનલ હાઇવે વિશે મહત્વના અપડેટ જાણી લેજો
મુંબઈ ગોવા નેશનલ હાઇવેને ચાર લેનનો બનાવવાનું કામ હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. હાઇવે વચ્ચેના એક મુખ્ય જોડાણ માર્ગ પર હાલમાં નોંધપાત્ર કામ ચાલી રહ્યું છે. અહેવાલો અનુસાર 466 કિલોમીટરના ચાર લેનનો આ માર્ગ મે અથવા જુન 2025 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. એકવાર પૂર્ણ થયા પછી મુંબઈથી ગોવા જતાં જે સામાન્ય રીતે 12થી 13 કલાક નો સમય લાગે છે તે ઘટીને માત્ર છ કલાકનો થઈ જશે. હાલમાં મુસાફરોને સિંધુ દુર્ગ પહોંચવા માટે ઓછામાં ઓછા 12 થી 13 કલાકનો સમય લાગે છે.
નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા એ જણાવ્યું હતું કે પનવેલથી ઇન્દાપુર સેક્શનનું કામ બે તબક્કામાં કરવામાં આવી રહ્યું છે. પહેલો તબક્કો પનવેલથી કાસુ અને બીજો તબક્કો કાસુથી ઇન્દાપુર. આ કામ ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થશે. હાલમાં અહીં સર્વિસ રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને મુખ્ય રોડનું કામ લગભગ પૂરું થઇ ગયું છે.
મુંબઈ ગોવા હાઇવે પૂર્ણ થવાની તારીખ :-
અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે પાલી, લાંજા, કોલાડ, માનગાવ ઈન્દાપુર અને ચીપલુણ જેવા મુખ્ય શહેરોમાં ચાલી રહેલા બાંધકામના કાર્યને લીધે આ હાઈવેના નિર્માણમાં અનેક વિલંબ થયા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ બાયપાસ ફ્લાયઓવર અને અંડરપાસના કામમાં અપેક્ષા કરતાં વધુ સમય લાગી રહ્યો છે. જોકે તે ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલા પૂર્ણ થઈ જશે.
આ પણ વાંચો…મહારાષ્ટ્રમાં GBSના કેસમાં ચોંકાવનારા તારણો જાણવા મળ્યા
પ્રોજેક્ટનો ખર્ચ :-
શરૂઆતમાં આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 3500 કરોડ રૂપિયા હતો. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ હવે બમણો થઈને 7,300 કરોડ રૂપિયા થયો હોવાનું કહેવાય છે. પનવેલ અને ઈન્દાપુર વચ્ચેનો 84 કિમીનો લાંબો રસ્તો NHAI દ્વારા પહોળો કરવામાં આવી રહ્યો છે જ્યારે બાકીના ભાગો PWD ડિપાર્ટમેન્ટ દ્વારા વિકસાવવામાં આવી રહ્યા છે.