આમચી મુંબઈમહારાષ્ટ્ર

વસઈથી ભાઈ-બહેનનાં અપહરણ કરી 10 લાખની ખંડણી માગી: બે પકડાયા

ખંડણીની રકમ ન આપે તો બન્નેને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આરોપીએ આપી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વસઈથી 17 વર્ષની કિશોરી અને તેના આઠ વર્ષના ભાઈનું કથિત અપહરણ કરી 10 લાખ રૂપિયાની ખંડણી માગનારા બે આરોપીને પોલીસે પાંચ કલાકમાં જ પકડી પાડ્યા હતા. ખંડણીની રકમ ન આપે તો અપહૃત બન્નેને રિમોટ ક્ધટ્રોલવાળા બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આરોપીએ આપી હતી.

નાયગાંવ પોલીસે ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ જયપ્રકાશ ઉર્ફે સોનુ ગંગારામ ગુપ્તા (23) અને વિપુુલ શશિકાંત તિવારી (20) તરીકે થઈ હતી. કોર્ટે બન્નેને 29 ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ વધુ તપાસ કરી રહી છે.

પોલીસ ફરિયાદ અનુસાર વસઈ નજીકના નાયગાંવ પરિસરમાં રહેતી કિશોરીના પિતા દુકાન ધરાવે છે. નાદુરસ્ત તબિયતને કારણે પિતા શનિવારે સવારે મુંબઈની કેઈએમ હૉસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. સાંજે ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમના મોબાઈલ ફોન પર આરોપીએ કૉલ કર્યો હતો.

કૉલ કરનારા શખસે પુત્રી અને પુત્રનાં અપહરણ કરવામાં આવ્યાં હોવાની વાત ઉચ્ચારી 10 લાખ રૂપિયાની માગણી કરી હતી. બન્ને સંતાનના શરીર પર બૉમ્બ બાંધી દેવામાં આવ્યા છે, જેનો રિમોટ ક્ધટ્રોલ પોતાની પાસે છે. રૂપિયા ન આપે તો બૉમ્બથી બન્નેને ઉડાવી દેવાની ધમકી આરોપીએ આપી હતી. આ અંગે પોલીસને જાણ ન કરવાની ચેતવણી પણ ફરિયાદીને આપવામાં આવી હતી.

ઘરે પહોંચી ફરિયાદીએ તપાસ કર્યા પછી નાયગાંવ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે તપાસ માટે અધિકારીઓની ત્રણ ટીમ બનાવી હતી. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી પોલીસની એક ટીમ કાશીમીરા પહોંચી હતી. ત્યાંની એક રૂમમાંથી અપહૃત ભાઈ-બહેનને છોડાવવામાં આવ્યાં હતાં.

દરમિયાન પોલીસની બીજી ટીમ આરોપીની શોધમાં હતી. આરોપી વસઈમાં વેશ બદલીને ફરતા હોવાની માહિતી મળતાં પોલીસે છટકું ગોઠવી પાંચ કલાકમાં જ તેમને પકડી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી ગુપ્તા ટ્રક ડ્રાઈવર છે અને કિશોરીનો મિત્ર છે. અગાઉ તે નાયગાંવ પરિસરમાં રહેતો હતો. તે સમયે બન્નેની ઓળખ થઈ હતી. તાજેતરમાં પિતા પાસે રૂપિયા આવ્યા હોવાની માહિતી કિશોરી પાસેથી આરોપી ગુપ્તાને મળી હતી. એ રૂપિયા મેળવવા માટે અપહરણનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ કાવતરામાં કિશોરીની સંડોવણી તો નથીને તેની તપાસ પોલીસ કરી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button