બસમાં પણ ખુદાબક્ષોઃ બેસ્ટે 945 સામે કાર્યવાહી કરી, દંડની વસૂલાત
મુંબઈ: લોકલ ટ્રેનોમાં ટિકિટ વિના મુસાફરી કરનારા કિસ્સામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે બેસ્ટની બસમાં ટિકિટ વિના પ્રવાસ કરનારા સામે બેસ્ટ વિશેષ અભિયાન ચલાવ્યું હતું. બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) દ્વારા બસમાં વગર ટિકિટે પ્રવાસ કરનારા લોકો સામેના અભિયાનમાં એક જ દિવસમાં 945 પ્રવાસી સામે કાર્યવાહી કરી હતી.
નવા વર્ષની શરૂઆત સાથે બે જાન્યુઆરીથી બેસ્ટ અધિકારીઓએ બસોમાં 900 કરતાં વધુ પ્રવાસીઓને વગર ટિકિટે ટ્રાવેલ કરતા પકડાયા હતા અને તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. કોરોના મહામારી સમયગાળા પછી બેસ્ટની બસમાં વગર ટિકિટે પ્રવાસ કરનારા લોકો સામે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં પણ આ અભિયાન ચાલુ રાખવામાં આવશે.
મફતિયા પ્રવાસીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહી અંગે બેસ્ટના અધિકારીએ કહ્યું હતું કે આ કાર્યવાહીમાં મફતિયા પ્રવાસીઓ પાસેથી રૂ. 58,457ના દંડની વસૂલાત કરવામાં આવી હતી. આ રકમ અભિયાન શરૂ કરવામાં આવેલી રકમ કરતાં આઠ ગણી વધુ છે, એટ્લે કે એક દિવસમાં લગભગ 7,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
ટિકિટ વગર પ્રવાસ કરતાં પ્રવાસીઓને પકડવા માટે વિવિધ જગ્યાએ 382 ટિકિટ ઈન્સ્પેકટરની નિમણૂક કરવામાં આવી હતી. આ દરેક નિમણૂક કરવામાં આવેલા અધિકારી મુંબઈ અને ઉપનગરોના વિસ્તારમાં ભીડવાળા માર્ગ પર પ્રવાસ કરીને કાર્યવાહી કરી હતી. મુંબઈ, થાણે, નવી મુંબઈ અને મીરા-ભાયંદરમાં 3000 જેટલી બસો દોડે છે, જેમાં અંદાજે 32થી 35 લાખ જેટલા પ્રવાસીઓ મુસાફરી કરે છે.
બેસ્ટની બસમાં વગર ટિકિટે પ્રવાસ કરતાં પ્રવાસીઓ માટે બેસ્ટ દ્વારા ટિકિટની 10 ગણા રકમ વસૂલ કરવામાં આવે છે અને જો પ્રવાસીઓ દંડની રકમ ન ભારે તો તેને મુંબઈ મહાપાલિકા કાયદા હેઠળ 200 રૂપિયાનો દંડ અથવા એક મહિના માટે જેલ પણ જવું પડશે, એવી માહિતી અધિકારીએ આપી હતી.