ઍરપોર્ટ પર કેનિયન મહિલાની ધરપકડ: 10 કરોડનું કોકેન જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સે (ડીઆરઆઈ) અંદાજે 10 કરોડ રૂપિયાના કોકેનની કથિત તસ્કરી પ્રકરણે કેનિયન મહિલાની ધરપકડ કરી હતી. વિદેશી મહિલા તેનાં સેન્ડલ અને હેન્ડબૅગમાં બનાવેલાં છૂપાં ખાનાંમાં ડ્રગ્સ સંતાડીને લાવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
મળેલી માહિતીને આધારે ડીઆરઆઈના અધિકારીઓેએ બુધવારે કેન્યાના નૈરોબીથી ફ્લાઈટમાં આવેલી ઈવા મ્બુરુ (41)ને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર આંતરી હતી.
મહિલાની ટ્રોલી બૅગની તપાસ કરવામાં આવતાં તેમાંથી હેન્ડબૅગ અને સેન્ડલ મળી આવ્યાં હતાં. તપાસ દરમિયાન બૅગ અને સેન્ડલમાં બનાવવામાં આવેલાં છૂપાં ખાનાંમાંથી અધિકારીઓને ડ્રગ્સનાં પૅકેટ્સ મળ્યાં હતાં. પૅકેટ્સમાં 970 ગ્રામ કોકેન હતું, જેની કિંમત અંદાજે 10 કરોડ રૂપિયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
પ્રાથમિક પૂછપરછમાં મહિલાએ તે ડ્રગ્સ તસ્કરી સાથે સંકળાયેલી હોવાની કબૂલાત કરી હતી. નૈરોબીમાં જે વ્યક્તિએ મહિલાને ડ્રગ્સ આપ્યું હતું તેનું નામ પણ મહિલાએ અધિકારીઓને જણાવ્યું હતું. આ પ્રકરણે ડીઆરઆઈ વધુ તપાસ કરી રહી છે.