હત્યા કેસના આરોપીઓની અન્ય એક યુવકને મારી મૃતદેહ કસારા ઘાટમાં ફેંક્યાની કબૂલાત

થાણે: લાંબા અંતરની ટ્રેનોમાં પાણીની બૉટલ્સ વેચનારા યુવકની હત્યા કરી મૃતદેહ વૈતરણા નદીના પુલ પરથી નીચે ફેંકી દેવાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓએ અન્ય એક યુવકની મારી નાખી તેનો મૃતદેહ કસાર ઘાટમાં ફેંક્યાની કબૂલાત કરી હોવાનો દાવો પોલીસે કર્યો હતો.
કસારા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર કે. ડી. કોલ્હેએ જણાવ્યું હતું કે યુવકનો મૃતદેહ 6 ફેબ્રુઆરીએ કસારા ઘાટમાંથી મળી આવ્યો હતો. તે સમયે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન પાલઘર જિલ્લાની મોખાડા પોલીસે 3 ફેબ્રુઆરીએ વૈતરણા નદીને કિનારેથી મળેલા યુવકના મૃતદેહના કેસમાં ત્રણ જણની ધરપકડ કરી હતી. હત્યા બાદ આરોપી હૈદરાબાદ ફરાર થઈ ગયા હતા.
વૈતરણા નદીને કિનારેથી મળેલા મૃતદેહની ઓળખ તેના હાથ પરના ટૅટૂથી થઈ હતી. ઉલ્હાસનગરમાં રહેતો મૃતક દીપક ઠોકે (25) લાંબા અંતરની ટ્રેનોમાં પાણીની બૉટલ્સ વેચવાનું કામ કરતો હતો. તપાસ દરમિયાન પોલીસે પેંટ્યા જંગલ્યા ચિત્તારી (38), સાઈકુમાર ઈલય્યા કડામાછી (22) અને કિશોર જિતેન્દ્ર શેટ્યે (29)ની ધરપકડ કરી હતી.
પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેમણે ઠોકે સિવાય અન્ય એક યુવક રિંકુ ગુપ્તાની પણ હત્યા કરી હતી. ગુપ્તા પણ ઉલ્હાસનગર રિજનમાં ટ્રેનોમાં મિનરલ્સ વૉટરની બૉટલ્સ વેચતો હતો. નાણાકીય વિવાદને કારણે ગુપ્તાની હત્યા કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ગુપ્તાની હત્યા કરી મૃતદેહ કસારા ઘાટમાં ફેંકવામાં આવ્યો હતો. એકાએક ગુપ્તા ગુમ થઈ જતાં 2 ફેબ્રુઆરીએ ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનમાં તેની મિસિંગની ફરિયાદ નોંધાવાઈ હતી. હત્યાકાંડમાં સંડોવાયેલા ચોથા આરોપી સાગર તેલંગની ઓળખ થઈ હતી. પોલીસ સાગરની શોધ ચલાવી રહી છે. (પીટીઆઈ)