કર્ણાક બ્રિજને અપાયું સિંદૂર પુલ નામ,આવતી કાલે ખૂલશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લાંબા સમયથી બનીને તૈયાર થઈ ગયેલા દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને મસ્જિદ બંદર વચ્ચે આવેલા અને પી. ડી’મેલો રોડને જોડનારા મહત્ત્વના કનેકટર કર્ણાક બંદર બ્રિજને ખુલ્લો મૂકવાને આખરે મુહૂર્ત મળી ગયું છે. ગુરૂવાર, ૧૦ જુલાઈ, ૨૦૨૫ના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને હસ્તે સવારે ૧૦ વાગ્યે તેનું લોકાપર્ણ કરવામાં આવવાનું છે.
દક્ષિણ મુંબઈના ૧૫૦ વર્ષ જૂના કર્ણાક બંદર બ્રિજ હવે સિંદૂર બ્રિજનું કામ ૧૦ જૂન,૨૦૨૫ની ડેડલાઈન મુજબ પૂરું કરવામાં આવ્યું હતું. કર્ણાક પુલ જોખમી દોઢસો વર્ષ જૂનો હોવાની સાથે જ તે જર્જરિત થઈ જતા રેલવે દ્વારા તેને જોખમી જાહેર કરવામાં આવ્યો હતો અને તેને ઑગસ્ટ, ૨૦૨૨ની સાલમાં તોડી પાડવામાં આવ્યો હતો. મસ્જિદ બંદરમાં પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારા મહત્ત્વના કનેકટર ગણાતા કર્ણાકને સુધરાઈએ બાંધ્યો છે. મધ્ય રેલવે દ્વારા મંજૂર કરવામાં આવેલા પ્લાન મુજબ પુલ બાંધવામાં આવ્યો છે.

લાંબા સમયથી આ પુલ બનીને તૈયાર થઈ ગયો હતો. તમામ પ્રકારની મંજૂરીઓ પણ તેને મળી ગઈ હતી પણ મુખ્ય પ્રધાનને તેના ઉદ્ઘાટન માટે સમય મળતો ન હોવાને કારણે તેને ખુલ્લો મૂકવામાં વિલંબ થઈ રહ્યો હોવાથી ભારે ટીકા થઈ રહી હતી. છેવટે બ્રિજ બંધાઈને બરોબર એક મહિનો પૂરો ૧૦ જુલાઈના પૂરો થઈ રહ્યો છે તે દિવસે પુલને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવવાનો છે.
ગર્ડર બેસાડવામાં આવ્યા બાદ બે ફેબ્રુઆરી, ૨૦૨૫થી પૂર્વમાં પાયાની ભરણીથી ડામર નાખવાના કામ ચાર મહિનામાં પૂરા કરવામાં આવ્યા છે. ટેક્નિકલી અત્યંત પડકારજનક અને જોખમી કામ હતું. બ્રિજનું કામ ૧૦ જૂન, ૨૦૨૫ની ડેડલાઈન મુજબ પૂરું કર્યા બાદ બ્રિજની ભારક્ષમતા, સ્થિરતા અને સુરક્ષા તપાસવા માટે લોડ ટેસ્ટ કરવામાં આવી હતી અને ૧૫ જૂન, ૨૦૨૫ના લોડ ટેસ્ટનું સર્ટિફિકેટ મળ્યા બાદ વીરમાતા જિજાબાઈ ટેક્નોલોજિકલ ઈન્સ્ટિટ્યુટના નિષ્ણાતોની સલાહ લઈને અને એ બાદ ટ્રાફિક પોલીસ સાથે સમન્વય સાધીને બ્રિજને ટ્રાફિક માટે ખુલ્લો મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
દક્ષિણ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મસ્જિદ બંદર અને મોહમ્મદ અલી રોડ પરિસરના ટ્રાફિક માટે કર્ણાક બ્રિજ મહત્ત્વનો છે. કર્ણાક બ્રિજની કુલ લંબાઈ ૩૨૮ મીટર છે, જેમાં રેલવે હદમાં ૭૦ મીટરની છે. પાલિકાની હદમાં આવતા એપ્રોચ રોડની લંબાઈ ૨૩૦ મીટર અને છે, જેમાં પશ્ર્ચિમમાં ૧૦૦ અને પૂર્વમાં ૧૩૦ મીટરની છે. રેલવે પાટા પર પુલને ઊભા કરવા માટે આરસીસી પિલરની ઊપર ૫૫૦ મેટ્રિક ટન વજનના ૭૦ મીટર લાંબા, ૨૬.૫૦ મીટર પહોળા અને ૧૦.૮ મીટર ઊંચાઈના બે ગર્ડર બેસાડવામાં આવ્યા છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત ૫૫૦ મેટ્રિક ટન વજનના દક્ષિણ બાજુએ લોખંડના ગર્ડર ૧૯ ઑક્ટોબર, ૨૦૨૪ના અને ઉત્તર બાજુએ લોખંડના ગર્ડર ૨૬ અને ૩૦ જાન્યુઆરી, ૨૦૨૫ના રેલવે ભાગમાં ખસેડવામાં આવ્યા હતા. તે માટે સ્પેશિયલ બ્લોક લેવામાં આવ્યા હતા.
આ બ્રિજ ખુલ્લો મુકાયા બાદ મુંબઈ શહેરના દક્ષિણમાં ડી’મેલો રોડ તરફના બંદર ભાગ અને ક્રાફર્ડ માર્કેટ, કાલબાદેવી, ધોબીતળાવના કમર્શિયલ વિસ્તારોમાં વાહનવ્યહાર ઝડપી બનશે. પુલ ચાલુ થયા બાદ પી.ડી’મેલો રોડ ખાસ કરીને વાલચંદ હિરાચંદ માર્ગ અને શહીદ ભગતસિંહ રોડના જંકશન પરનો ટ્રાફિક ઘટશે. તેમ જ આ પુલને કારણે યુસુફ મેહર અલી રોડ, મોહમ્દ અલદી રોડ, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, કાઝી સૈયદ રોડ પરનો ટ્રાફિક પણ ઘટશે.