કર્ણાક, ગોખલે અને વિક્રોલી બ્રિજ ચોમાસા પહેલા ખુલ્લા મુકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના ટ્રાફિક માટે અત્યંત મહત્ત્વના ગણાતા અને અનેક વખત મુદત ચૂકી ગયેલા ત્રણ મહત્ત્વના રેલવે ઓવર બ્રિજ (આરઓબી)ના કામ લાંબી પ્રતીક્ષા બાદ આખરે પૂરા થવાની તૈયારીમાં છે. દક્ષિણ મુંબઈમાં આવેલો કર્ણાક બ્રિજ, અંધેરીનો ગોપાલકૃષ્ણ ગોખલે બ્રિજ તથા વિક્રોલીનો બ્રિજ આગામી ચોમાસા પહેલા સંપૂર્ણપણે ચાલુ થઈ જાય એવો દાવો સુધરાઈના ઉચ્ચ અધિકારીએ કર્યો છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) અને મસ્જિદ બંદરને જોડતો ૧૫૪ વર્ષ જૂના કર્ણાક બંદર રોડ આરઓબીને ૨૦૧૪માં ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.
હેન્કૉક બ્રિજના ચાલી રહેલા કામ અને ત્યાં રહેલા અતિક્રમણને કારણે કર્ણાક બંદર બ્રિજને તોડી પાડીને નવેસરથી બાંધવાનું કામ અટવાઈ ગયું હતું. કર્ણાક બંદર બ્રિજમાં પહેલા ગર્ડરને લોન્ચ કરવાથી લઈને લગભગ ૮૦ ટકા કામ થઈ ગયું છે, જેમાં હવે બીજા ગર્ડરને લોન્ચ કરવાનું કામ જાન્યુઆરી, ૨૦૨૫ સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. પાલિકા દ્વારા કામ ઝડપથી પૂરી કરવાનું આશ્ર્વાસન સતત આપવામાં આવી રહ્યું છે, છતાં ૩૧ મે, ૨૦૨૫ સુધી પૂલ તૈયાર થાય એવી શક્યતા બહુ ઓછી જણાઈ રહી છે. એક વખત આ પુલ તૈયાર થઈ જશે તો દક્ષિણ મુંબઈમાં ટ્રાફિકની સમસ્યામાં ઘણી રાહત મળવાની શક્યતા છે.
Also read: ગોખલે બ્રિજનો બીજો ગર્ડર બહુ જલદી લૉન્ચ થશે
ગોપાલ કૃષ્ણ ગોખલે પુલ અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો એક મહત્ત્વનો બ્રિજ છે. ગોખલે પુલને જોખમી જાહેર કર્યા બાદ સાત નવેમ્બર, ૨૦૨૨થી તેને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. ગોખલે પૂલનું કામ મે, ૨૦૨૩ સુધીમાં પૂરું થવાની અપેક્ષા હતી. પરંતુ છેલ્લા બે વર્ષ દરમિયાન અનેક અડચણો આવતા પુલ ખુલ્લો મૂકવાની મુદત પાલિકા ચૂકી ગઈ હતી. ચાલુ વર્ષે ૨૬ ફેબ્રુઆરીના પુલનો ઉત્તર તરફનો હિસ્સો હળવા વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. હાલ બીજા ગર્ડરનું લોઅરિંગનું કામ ચાલી રહ્યું છે અને તે ૧૦ ડિસેમ્બર, ૨૦૨૪ સુધીમાં પૂરું થવાની શક્યતા છે. હાલ બ્રિજના બંને તરફ અપ્રોચ રોડ સહિતનું બીજા નાના-મોટા કામ ચાલી રહ્યા છે. પુલનું કામ પૂરું થઈને તે ૩૦ એપ્રિલ, ૨૦૨૫ સુધી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાવાની શક્યતા છે. કામમાં વિલંબ થવા બદલ સુધરાઈએ કાન્ટ્રેક્ટરને ત્રણ કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
વિક્રોલીમાં ઈસ્ટર્ન એક્સપ્રેસને એલબીએસ માર્ગ સાથે જોડનારા આરઓબી માટે ૨૦ એપ્રિલ, ૨૦૧૮ના વર્ક ઓર્ડર બહાર પાડવામાં આવ્યા હતા. વિક્રોલી પૂર્વ -પશ્ર્ચિમ વચ્ચે રહેલો ફાટક વર્ષો પહેલા બંધ કરી દેવામાં આવ્યા બાદ આારઓબીના કામમાં થઈ રહેલા વિલંબને કારણે સ્થાનિક રહેવાસીઓ પણ કંટાળી ગયા છે. પુલ માટે યોગ્ય રીતે આયોજન નહીં કરવા બદલ, સાઈટ પર રહેલા અતિક્રમણ દૂર કરવામાં થયેલા વિલંબ બદલ તથા સાઈટની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખર્ચાનું આયોજન બરોબર નહીં કરવા બદલ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) સુધરાઈને ઠપકો પણ આપ્યો હતો. બ્રિજનું કામ સમયસર પૂરું કરવામાં પાલિકા નિષ્ફળ જતા નાગરિકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.
Also read: મલાડ મીઠ ચોકીના ફ્લાયઓવરનો અંધેરી બરફીવાલા જેવો છબરડો? WATCH
પાલિકાના અધિકારીઓએ જમીનના સંપાદન, બાંધકામ અને વૃક્ષો હટાવવામાં આવેલી અડચણોને કારણે કામમાં વિલંબ થયું હોવાનું કારણ આપ્યું હતું. જોકે હવે આ બ્રિજનું કામ લગભગ ૯૦ ટકા પૂરું થઈ ગયું છે અને આ બ્રિજ માર્ચ ૨૦૨૫ સુધીમાં વાહનવ્યવહાર ામટે ખુલ્લો મૂકવામાં આવશે એવું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.