કર્ણાક, ગોખલે અને વિક્રોલી બ્રિજના કામમાં વિલંબથી પાલિકા ટેન્શનમાં
ચોમાસા પહેલા ત્રણેય પુલનું કામ પૂરું કરવા કમર કસી
![Karnak, Gokhale, and Vikhroli bridges ready before monsoon](/wp-content/uploads/2024/12/karnak-gokhale-vikhroli-bridges-before-monsoon-780x470.jpeg)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના કર્ણાક બંદર બ્રિજ, અંધેરીના ગોપાલ કૃષ્ણ ગોખલે બ્રિજ અને વિક્રોલી બ્રિજ આ ત્રણેય મહત્ત્વના કનેકટર ગણાતા બ્રિજમાં ખાસ્સો એવો વિલંબ થયો છે, તેને કારણે મુંબઈગરાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઘણા મહત્ત્વના પુલોના બાંધકામો સમયસર પૂરા થાય તે માટે પાલિકા અધિકારી, રેલવે ઓથોરિટી, મુંબઈ ટ્રાફિક પોલીસ અને બેસ્ટના પ્રતિનિધિઓની સોમવારે પ્રોજેક્ટની પ્રગતિનું મૂલ્યાંકન કરવા એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. પાલિકાએ આ મહત્ત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટને ચોમાસા પહેલા પૂરું કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે અને તે માટે તમામ એજન્સીઓ વચ્ચે કૉ-ઓર્ડિશન અને કમ્યુનિકેશન વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ત્રણ રેલવે ઓવર બ્રિજ (આરઓબી)ઉપરાંત પાલિકાએ મુંબઈ સેન્ટ્રલમાં બેલાસિસ બ્રિજ અને વિદ્યાવિહાર અને સાયન બ્રિજનું બાંધકામ પણ હાથ ધર્યું છે. આ ચાલુ પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે એડિશનલ કમિશનર અભિજિત બાંગર અને જોઈન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક) અનિલ કુંભારે સોમવારે પાલિકા મુખ્યાલયમાં એક સંયુક્ત બેઠક યોજી હતી.
Also read: કર્ણાક, ગોખલે અને વિક્રોલી બ્રિજ ચોમાસા પહેલા ખુલ્લા મુકાશે
અભિજિતિ બાંગરે જણાવ્યું હતું કે સાયન પુલને તોડી પાડવાનું કામ હજી બાકી હોવાથી નાગરિકોને અસુવિધા થાય નહીં તેની ખાતરી કરવી જરૂરી છે. રેલવે પ્રશાસન અને પાલિકા બંને એજન્સી તમામ આવશ્યક સાવચેતી રાખી રહી છે. આ પુલનું સમયસર કામ પૂરું કરવા માટે દરેક કામ સ્પષ્ટ સમયમર્યાદામાં નક્કી કરીને કાળજીપૂર્વક કરવાનું આયોજન કર્યું છે. સાયન રેલવે સ્ટેશનના પૂર્વ અને પશ્ર્ચિમ બંને બાજુના બાકી રહેલા મુદ્દાઓને ઉકેલવા અને પાલિકા વિવિધ વિબાગોમાં સહયોગ આવશ્યક છે. રાહદારીઓને ચાલવા માટેના પુલના બાંધકામમાં અવરોધ દૂર કરવા, ગટર પાઈપ લાઈન બંધ કરવી, જાહેર શૌચાલય તોડી પાડવા, બેસ્ટના વાહનોના રૂટ બદલવા દેવા અને જાહેરાતના હૉર્ડિંગ્સ દૂર કરવાના કામ ઝડપથી થવા આવશ્યક છે. આ કામ ઝડપથી થશે તો જ પુલનું કામ જલદી થશે. ૩૧ મે, ૨૦૨૬ સુધી સાયન પુલનું કામ પૂરું કરવાનો અમારો પ્રયાસ છે.
પાલિકાએ મુખ્ય પુલ પ્રોજેક્ટ માટે સમયમર્યાદા નક્કી કરી છે. ગોખલે પુલનું રેલવેનું કામ પૂરું થઈ ગયું છે અને અપ્રોચ રોડ એપ્રિલ સુધીમાં પૂરો થઈ જશે અને ૩૦ એપ્રિલ, ૨૦૨૫ સુધીમાં ખૂલશે. કર્ણાક પુલ ૧૦ જૂન, ૨૦૨૫ સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. એપ્રિલ ૨૦૨૬માં બેલાસિસ પુલ પૂરો કરવાનો હતો પણ હવે તે ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં પૂરો કરવામાં આવવાનો છે.