કર્ણાક બ્રિજનું પહેલું ગર્ડર લોન્ચ કરાયું: જૂનમાં ખુલ્લો મુકાય એવી શક્યતા
મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને મસ્જિદ બંદર વચ્ચે બની રહેલા કર્ણાક બ્રિજનું 70 ટકાથી વધુનું કામ પૂરું થઇ ગયું છે. પાલિકાએ મઝગાંવ તરફનું ગર્ડર લોન્ચ કર્યું હતું. બ્રિજની બંને બાજુ પાલિકાએ આ પહેલાંથી જ પિલર બનાવી દીધા છે. રેલવે ઉપર ગર્ડર લોન્ચિંગનું કામ એપ્રિલ-મે મહિનામાં કરવાની યોજના છે. પાલિકાને આશા છે કે જૂન કે જુલાઈ મહિનામાં બ્રિજને ખુલ્લો મુકાય એવી શક્યતા છે.
પાલિકા બ્રિજ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે રેલવેની બંને તરફ મસ્જિદ અને મઝગાંવ તરફના પિલરનું કામ મોટા ભાગે પૂરું થઇ ગયું છે. બ્રિજ માટે 12 બાંધકામને હટાવવા એ એક પડકાર હતું અને તેને તોડી પાડ્યા બાદ તેને ગતિ મળી છે. રેલવે લાઈનની બંને તરફનાં કામ અમે નજીકના સમયમાં પૂરાં કરવા માગીએ છીએ. અહીં પિલરનું કામ લગભગ પૂરું થઇ ગયું છે અને ત્યાર બાદ હવે એક્સેસ રોડનું કામ પૂરું કરવામાં આવશે. પાલિકા-રેલવેના સમન્વયથી કામ સમયની અંદર જ પૂરું થઇ જાય એવી શક્યતા છે. સીએસએમટીથી મસ્જિદ બંદર વચ્ચે બ્રિજ માટે બંને તરફ મુખ્ય પિલરનું કામ ચાલી રહ્યું છે. પિલર રેલવે લાઈનની વચ્ચોવચ બનાવવામાં આવી રહ્યા છે, આ માટે ઘણી તકેદારી રાખવી પડે એમ છે.
બ્રિજ બંધ થવાને કારણે લોકોને હૈંકોક બ્રિજથી આવવું-જવું પડતું હતું. અમુક વાહનો ફરીને પી ડિમેલો રોડનો ઉપયોગ કરે છે. બ્રિજ બનવાથી મઝગાંવ અને સેંડહર્સ્ટ રોડ, રે રોડ તરફ આવવું-જવું એકદમ સરળ બની જશે. પાલિકાને આશા છે કે બ્રિજ બનવાથી દરરોજ 50 હજારથી વધુ વાહનો તેનો ઉપયોગ કરશે અને વાહનનું ફ્યુઅલ પણ બચશે તેમ જ સમયની પણ બચત થશે.
સીએસએમટી અને મસ્જિદ બંદર વચ્ચે સ્થિત આ બ્રિજને 1868માં બનાવવામાં આવ્યો હતો. આ પુલનું નામ તત્કાલીન મુંબઈના ગવર્નર જેમ્સ રિવેટ કર્ણાકના નામ પર કર્ણાક બ્રિજ રાખવામાં આવ્યું હતું. દક્ષિણ મુંબઈમાં રોડ ટ્રાફિકને પૂર્વ-પશ્ચિમ સાથે જોડતો આ પહેલો બ્રિજ હતો જેને જીઆઈપીઆરની ઉપર બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજ ભારે વાહનોના આવન-જાવન માટે નવેમ્બર 2013માં બંધ કરી દેવામાં આવ્યો હતો, કારણ કે સ્ટ્રક્ચરલ ઓડિટમાં બ્રિજનું સ્ટીલ નબળું પડી ગયું હતું. 20મી ઓગસ્ટથી 20 નવેમ્બર 2022 વચ્ચે આ બ્રિજને તોડવામાં આવ્યો હતો અને 21મી નવેમ્બર 2022થી બ્રિજને બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું.