ત્રણ વખત મજૂરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ પણ રહ્યો નિષ્ફળ, જુઓ વાઈરલ તસવીરો…
મુંબઈઃ ગુજરાતીમાં એક કહેવત છે ‘રામ રાખે તેને કોણ ચાખે’ બસ આવું જ તાજેતરમાં મુંબઈમાં બન્યું છે. મુંબઈના વિક્રોલીમાં પંદરમી જાન્યુઆરીના એક મજૂરે નિર્માણાધીન ઈમારતના તેરમા માળેથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો જીવ બચી ગયો.
આ પણ વાંચો : ‘COLDPLAY’ના વેચાણમાં ગેરરીતિનો વિષય ચિંતાનોઃ હાઈ કોર્ટે કરી મહત્ત્વની વાત
આત્મહત્યા કરવા મજબૂર બનેલા મજૂરે બે વાર નીચે કૂદકો માર્યો હતો, પરંતુ સેફ્ટી નેટમાં ફસાઈ જવાથી તેનો બચાવ થયો હતો, જ્યારે આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ હતી. વાઈરલ વીડિયો જોઈને લોકો ચોંકી ગયા હતા, જ્યારે અનેક પ્રતિક્રિયાઓ આપી હતી.
વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પોતાનો જીવ લેવાના પ્રયાસમાં મજૂરે તેરમા માળેથી કૂદકો માર્યો હતો, પરંતુ એ આઠમા માળે લગાડેલી સેફ્ટી નેટમાં ફસાઈ ગયો હતો. આ દરમ્યાન ત્યાં હાજર બીજા મજૂરો એને નેટના સહારે ઉપર આવવા માટે બૂમો પાડી હતી, પરંતુ મજૂર થોડો સમય જાળી પકડીને ત્યાં જ ઊભો રહે છે અને થોડા સમય પછી તે ફરીથી નીચે કૂદકો મારે છે. પરંતુ અહીં પણ મજૂર ત્રીજા માળે લાગેલી સેફ્ટી નેટમાં ફસાઈ જાય છે. મજૂર ફરી ત્રીજા માળેથી કુદે છે, પરંતુ તે નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર હાજર લોકો દ્વારા લગાવવામાં આવેલી સેફ્ટી નેટમાં ફસાઈ જાય છે અને બચી જાય છે.
આ પણ વાંચો : Bullet Train: હવે હાઈ સ્પીડ ટ્રેનનો ટ્રાયલ ક્યાં હાથ ધરાશે?
પ્રાપ્ત વિગતો મુજબ મજૂરનું નામ બિરજુ પ્રસાદ રમેશ બનરવા છે અને તે છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ તાણમાં હતો. સ્થાનિક પોલીસ પ્રશાસનને આ અંગે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. મામલાની સંપૂર્ણ માહિતી મેળવ્યા પછી મજૂરને તેના ગોરખપુર (ઉત્તર પ્રદેશ) સ્થિત ગામમાં મોકલવામાં આવ્યા હોવાની માહિતી મળી છે.