આમચી મુંબઈમનોરંજન

છ વર્ષ પહેલાં આ બોલીવૂડ એક્ટ્રેસે ઉદ્ધવ ઠાકરે માટે કરેલી ભવિષ્યવાણી આજે સાચી થઈ ગઈ…

મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાઓના જાહેર થયેલા પરિણામોમાં ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના ધરાવતી મહાયુતિએ ભવ્ય વિજય મેળવ્યો છે. આ ઐતિહાસિક જીત બાદ સોશિયલ મીડિયા પર બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌતનો એક જૂનો વીડિયો અને સ્ટેટેમેન્ટ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો કંગના રનૌતના ઘર પર બીએમસીએ ચલાવેલા હથોડા સમયનો છે. ચાલો જાણીએ આખી ઘટના વિશે વિસ્તારથી…

વર્ષ 2020માં જ્યારે બીએમસીએ કંગના રનૌતના પાલી હિલ સ્થિત બંગલા પર બુલડોઝર ચલાવ્યું હતું, ત્યારે કંગનાએ એક વીડિયો શેર કરીને ઉદ્ધવ ઠાકરેને સીધી ચેતવણી આપી હતી. આ વીડિયોમાં કંગના રનૌત ઉદ્ધવ ઠાકરેને સંબોધતા એવું કહે છે કે તમને શું લાગે છે? ફિલ્મ માફિયા સાથે મળીને મારું ઘર તોડીને તમે બહુ મોટો બદલો લીધો છે? આજે મારું ઘર તૂટ્યું છે, કાલે તમારો અહંકાર તૂટશે. આ સમયનું ચક્ર છે, યાદ રાખજો, બધું હંમેશા એક જેવું જ નથી રહેતું.

આજે જ્યારે ઠાકરે જૂથના હાથમાંથી એશિયાની સૌથી ધનિક પાલિકાની સત્તા જતી રહી છે, ત્યારે નેટિઝન્સ આ વિડીયો શેર કરીને લખી રહ્યા છે કે કંગનાની એ વાત સાચી સાબિત થઈ છે. મુંબઈ મહાનગરપાલિકાના છેલ્લાં ત્રણ દાયકાના ઈતિહાસમાં આજે સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો છે. 227 બેઠકો પર ખેલાયેલી આ જંગમાં ભાજપ 90 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યું છે, જ્યારે તેના સાથી પક્ષ એકનાથ શિંદેની શિવસેનાએ 28 બેઠકો મેળવી છે. આમ, કુલ 118 બેઠકો સાથે મહાયુતિએ બહુમતીનો આંકડો વટાવી દીધો છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભાજપની જિત અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે આ મહાયુતિની મહાજીત છે. આ પીએમ મોદીના વિકાસના એજન્ડા અને પ્રમાણિકતાની જીત છે. અમે દરેક શહેરમાં પરિવર્તન લાવીશું. અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકાની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે આ વખતે સાથે આવ્યા હોવા છતાં પણ ભારે નુકસાન થયું છે. બંને ભાઈઓ સાથે આવીને પણ ભાજપ-શિંદે સેનાના વિજય રથને રોકવામાં નિષ્ફળ ગયા હતા. શિવસેના (UBT)ને માત્ર 65 બેઠકો પર સંતોષ માનવો પડ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં 28 વર્ષથી મુંબઈમાં શિવસેનાનો મેયર હતો, પણ હવે પહેલી જ વખત એવું બનવા જઈ રહ્યું છે કે મુંબઈને શિવસેના સિવાય અન્ય કોઈ રાજકીય પક્ષનો મેયપ મળવા જઈ રહ્યા છે. આ પરિણામો માત્ર મુંબઈ જ નહીં, પરંતુ આગામી દિવસોમાં મહારાષ્ટ્રના રાજકારણની દિશા પણ નક્કી કરશે, એવો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે.

આ પણ વાંચો…ઠાકરે બંધુની હાર અંગે આઠવલેએ આપ્યું નિવેદનઃ મુંબઈગરાઓએ જુલમનો અસ્વીકાર કર્યો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button