કાંદિવલીમાં પેપર મેન્યુફેકચરિંગ યુનિટમાં ભીષણ આગ: કોઈ જાનહાનિ નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કાંદિવલી (પશ્ચિમ)ના ચારકોપમાં મંગળવારે બપોરના પેપર મેન્યુફેકચરિંગ યુનિટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. મોડી સાંજે આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. જોકે કુલિંગ ઓેપરેશન મોડે સુધી ચાલ્યું હતું. આગમાં કોઈ જખમી થયું નહોતું.
ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ
કાંદિવલી પશ્ચિમમાં ચારકોપર વિસ્તારમાં આવેલા ગર્વમેન્ટ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં પ્લોટ નંબર ૫૪માં રહેલી પરફેક્ટ પેપર કોર્ન કંપનીમાં બપોરના લગભગ ૨.૩૦ વાગે આગ લાગી હતી. ઘટના સ્થળે ફાયરબ્રિગેડ પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
પાલિકાના જણાવ્યા મુજબ આગ ગ્રાઉન્ડ પ્લસ એક માળના મકાનમાં લગભગ ૩,૦૦૦ ચોરસ ફૂટના વિસ્તારમાં લાગી હતી. આગ ઝડપભેર ઈલેક્ટ્રિક વાયરિંગ, ઈલેક્ટ્રિકલ ઈન્સ્ટોલેશન વગેરેમાં ફેલાઈ ગઈ હતી. આગને કારણે યુનિટમાં ભારે માત્રામાં ધુમાડો ફેલાઈ ગયો હતો. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. ભારે જહેમત બાદ લગભગ છ વાગ્યાની આસપાસ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. આગમાં સદ્નસીબે કોઈ જખમી થયું નહોતું.



