તિલક-ચાંદલો કરવા પર પ્રતિબંધ મૂકાતા કલ્યાણની સ્કૂલના વાલીઓ વિફર્યાઃ પોલીસ બંદોબસ્ત લગાવાયો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

તિલક-ચાંદલો કરવા પર પ્રતિબંધ મૂકાતા કલ્યાણની સ્કૂલના વાલીઓ વિફર્યાઃ પોલીસ બંદોબસ્ત લગાવાયો

કલ્યાણઃ થાણે જિલ્લાના કલ્યાણની શ્રીમતી કાંતાબેન શાંતીલાલ ગાંધી સ્કૂલમાં વિદ્યાર્થીએ તિલક અને ચાંદલો કરી લાવવો નહીં કે કોઈ દોરાધાગા બાંધી લાવવા નહીં તેવા સખત નિયમો બહાર પાડવામાં આવતા વાલીઓ સહિત અમુક રાજકીય પક્ષો પણ નારાજ થયા હતા. વાલીઓએ આ અંગેની ફરિયાદ કલ્યાણ-ડોંબિવલી મહાનગરપાલિકાને કરી હતી. દરમિયાન આ વિવાદમાં ઉદ્ધવ સેના પણ સક્રિય થતાં તેમણે સ્કૂલ મેનેજમેન્ટ સામે વિરોધ કર્યો હતો અને વિરોધ એટલો વકર્યો કે પોલીસ બંદોબસ્ત લગાવવો પડ્યો હતો.

વાલીઓના આક્ષેપ અનુસાર ધાર્મિક સહિષ્ણુતાના નામે હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડતો ફતવો સ્કૂલે બહાર પાડ્યો છે. વિદ્યાર્થીઓ તિલક કે ચાંદલો કરીને આવશે અથવા હાથમાં કોઈ દોરો બાંધશે કે વિદ્યાર્થિનીઓ બંગડી પહેરશે તો તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.

સ્કૂલે કહ્યું કે આવો કોઈ ફતવો નથી

આ મામલે ભારે હંગામો થયા બાદ સ્કૂલ મેનેજમેન્ટે પહેલા આ વાતથી ઈનકાર કરી દીધો કે આ પ્રકારનો કોઈ ફતવો અમે બહાર પાડ્યો નથી કે આ રીતે બાળકોને શિક્ષા કરવાનો કોઈ ઈરાદો સ્કૂલનો નથી. સ્કૂલમાં કોઈપણ પ્રકારના ધાર્મિક મતભેદ નિર્માણ ન થાય તે માટે માત્ર સૂચના આપવામાં આવી છે. જોકે વાલીઓ આક્રમક બન્યા બાદ સ્કૂલે આ પ્રકારનો પરિપત્ર બહાર પાડ્યાનું કબૂલ્યુ હોવાનું સૂત્રો જણાવે છે. કડા અને બંગળીને લીધે અન્ય બાળકોને ઈજા ન થયા તે માટે ન પહેરવા જણાવ્યું હતું. સ્કૂલ મેનેજમેન્ટે પોતાની રજૂઆત કરી હતી.

ઉદ્ધવ સેના બની આક્રમક

આ ઘટના બન્યાનું ધ્યાનમાં આવતા ઉદ્ધવ ઠાકરે જૂથે સ્કૂલ મેનેજમેન્ટ પાસે ગયું હતું અને જવાબ માગ્યો હતો. સ્કૂલ મેનેજમેન્ટ અને ઠાકરે જૂથના પ્રતિનિધિઓની બેઠકમાં ગરમાગરમી થઈ હતી. આપણે અન્ય ધર્મના લોકોને નથી કહેતા કે તિલક લગાવો કે ચાંદલો કરો, પણ આપણા ધર્મના વિદ્યાર્થીઓ પર પાબંધી શા માટે તેવો સવાલ તેમણે કર્યો હતો. કોઈપણ ધર્મના લોકોની ભાવનાને ઠેસ પહોંચવી ન જોઈએ, તેમ પણ જૂથે જણાવ્યું હતું. જોકે આ સ્થિતિમાં કોઈપણ હંગામો ન થાય તે માટે પોલીસનો બંદોબસ્ત સ્કૂલે ગોઠવ્યો હતો.

આપણ વાંચો:  નવી મુંબઈ એરપોર્ટ અંગે આવી નવી અપડેટઃ DGCA એ આપ્યું આ મહત્વપૂર્ણ લાઇસન્સ

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button