પત્નીને કૉલ કર્યા બાદ નદીમાં ઝંપલાવી પતિની આત્મહત્યા: બે દિવસ બાદ મૃતદેહ મળી આવ્યો…

થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં પત્નીને કૉલ કર્યા બાદ 44 વર્ષના પતિએ નદીમાં ઝંપલાવીને જીવનનો અંત આણ્યો હતો. 19 સપ્ટેમ્બરે રાતના 10.30 વાગ્યે આ ઘટના બની હતી અને મૃતદેહ બે દિવસ બાદ મળી આવ્યો હતો.
મૃતકની ઓળખ ધનાજી રઘુનાથ શિંદે તરીકે થઇ હતી, જે પરિવારજનો સાથે બદલાપુરમાં રહેતો હતો. શિંદેએ કલ્યાણમાં ગાંધારી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી.
શિંદેએ એ પૂર્વે તેની પત્નીને કૉલ કર્યો હતો અને જણાવ્યું હતું કે પોતે આત્મહત્યા કરવા જઇ રહ્યો હોવાથી ઘરે નહીં આવશે. તેણે સંતાનોની સંભાળ રાખવાનું પત્નીને કહ્યું હતું અને બાદમાં પોતાનો મોબાઇલ સ્વીચઓફ કરી દીધો હતો.
સાક્ષીદારો સહિત સ્થાનિક માછીમારોએ પોલીસને જાણ કરી હતી કે સફેદ ટીશર્ટ અને કાળું પેન્ટ પહેરેલા શખસને તેમણે રાતના ગાંધારી બ્રિજ પરથી નદીમાં કૂદકો મારતા જોયો હતો, એમ પડઘા પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.
દરમિયાન શિંદેનો કૉલ આવ્યા બાદ તેની પત્નીએ પોલીસનો સંપર્ક સાધીને મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. એવામાં શખસે નદીમાં ઝંપલાવ્યું હોવાનું જાણવા મળતાં પોલીસ અધિકારીઓ તથા અગ્નિશમન દળના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સ્થઆનિક માછીમારોની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
આખરે બે દિવસ બાદ શિંદેનો મૃતદેહ નદીકિનારે તણાઇ આવ્યો હતો. પોલીસે પંચનામું કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
કલ્યાણના ખડકપાડા પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે એડીઆર દાખલ કરવામાં આવ્યો હતો અને પડઘા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. (પીટીઆઇ)