કલ્યાણ-ડોંબિવલીમાં 1.66 લાખ ગેરકાયદે બાંધકામો: કોર્ટે કરી પાલિકાની ઝાટકણી
મુંબઇ: કલ્યાણ-ડોંબિવલી મહાનગરપાલિકાની હદમાં હાલમાં 1.66 લાખથી વધુ ગેરકાયદે બાંધકામો હોવાથી તેને કારણે ઊભી થઇ રહેલી સમસ્યાઓ અંગે ઉચ્ચ ન્યાયાલયે બુધવારે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. દરમિયાન આટલાં મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામ કેવી રીતે થયા એવો પ્રશ્ન પૂછી કોર્ટે મહાપાલિકાની ઝાટકણી કરી હતી. તથા મ્યુનિસિપલ કમિશનરને આ પરિસ્થિતિની તપાસ કરવા માટે ઉપાયો અંગેનો પ્રસ્તાવ તૈયાર કરી આગામી સુનાવણી વખતે ઉપસ્થિત રહેવાનો આદેશ પણ કોર્ટે આપ્યો હતો.
મહાનગર પાલિકાની હદમાં ગેરકાયદે બાંધકામની મોટી સંખ્યા જોતાં આ અંગેની પરવાનગી કોણે આપી? મહાનગરપાલિકાએ આ બાંધકામ થવા જ કેવી રીતે દીધા? એવો પ્રશ્ન કરી આ ગેરકાયદે બાંધકામને કારણે હવે વિવિધ માનવીય સમસ્યાઓ ઊભી થઇ છે એમ કહીને મુખ્ય ન્યાયમૂર્તિ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ આરિફ ડોક્ટની બેન્ચે પાલિકાની ઝાટકણી કરી હતી. મહાનગર પાલિકાના અધિકારીઓ સતર્ક રહ્યાં હોત તો આવી પરિસ્થિતિ ઊભી ના થઇ હોત એવી ટિપ્પણી પણ ન્યાયાલયે કરી હતી.
કલ્યાણ-ડોબિંવલી મહાનગર પાલિકાની હદમાં આવેલ પાલિકા તથા રાજ્ય સરકારના માલિકીની જગ્યાઓ પર મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામ થયા હોવાની જાણ હરિશ્ચંદ્ર મ્હાત્રેએ જનહિતની અરજી મારફતે કોર્ટ કરી હતી. ઉપરાંત આવા ગેરકાયદે બાંધકામો તોડવાનો આદેશ પાલિકાને આપવામાં આવે તેવી માંગણી પણ કરી હતી.
કલ્યાણ-ડોંબિવલી મહાનગરપાલિકાની હદમાં 1.66 લાખથી વધુ ગેરકાયદે બાંધકામો થયા છે અને હવે આ ગેરકાયદે બાંધકામો પર જો કાર્યવાહી કરવામાં આવે તો તેમા રહેનારા પરિવારો રસ્તા પર આવી જશે. તેથી સરકારનો હવે આ બાંધકામો દંડ ફટકાની નિયમિત કરવાનો વિચાર છે એમ અરજી કરનારાના વકીલ શ્રીરામ કુલકર્ણીએ કોર્ટને કહ્યું હતું. કોર્ટે આ વાતની દખલ લીધી છે.