કલ્યાણ-ડોંબિવલી પાલિકા ચૂંટણી કામ માટે ગેરહાજર ૨૭ કર્મચારી સામે ફોજદારી ગુનો દાખલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કલ્યાણ-ડોંબિવલી પાલિકા ચૂંટણી માટે કલ્યાણ, મુરબાડ શહેર પરિસરમાં વિવિધ સરકારી ઓફિસમાંથી કર્મચારી, અધિકારીઓને નીમવામાં આવ્યા છે, જેમાં પંચાયત સમિતિ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી), એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (એપીએમસી), પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ, એમઆઈડીસી જેવા અનેક વિવિધ સરકારી ઓફિસમાંથી ૨૭ કર્મચારીઓ કામ માટે ગેરહાજર રહેતા પાલિકા પ્રશાસને તેમની વિરુદ્ધ બજારપેઠ પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુનો દાખલ કર્યો છે.
કલ્યાણ-ડોંબિવલી પાલિકાના આચારસંહિતા ટીમના આસિસ્ટન્ટ કમિશનર સંદીપ રોકડેની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધ્યો હતો, જે કર્મચારીઓ પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તે સ્થિર સર્વેક્ષણ ટીમ, ફરતી સર્વેક્ષણ ટીમ, વિડિયો સર્વેક્ષણ ટીમ સહિત અન્ય ચૂંટણીને લગતા કામ માટે નીમવામાં આવ્યા હતા. આ કર્મચારીઓને પાલિકાએ અનેક વખત સંપર્ક કર્યો હતો, છતાં કર્મચારીઓ ચૂંટણીના કામ માટે હાજર થયા નહોતા. તેથી પાલિકાએ આ ૨૭ કર્મચારીઓ સામે ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચો : કલ્યાણ-ડોંબિવલીમાં 1.66 લાખ ગેરકાયદે બાંધકામો: કોર્ટે કરી પાલિકાની ઝાટકણી
રાજ્યના ચૂંટણી પંચના આદેશ મુજબ જાહેર થયેલી પાલિકાઓની ચૂંટણીઓ માટે કલ્યાણ-ડોંબિવલી શહેર વિભાગના કર્મચારી, અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. ગુનો દાખલ કરવામાં આવેલા કર્મચારીઓને વારંવાર સંપર્ક કરીને પણ તેઓ કલ્યાણ-ડોંબિવલી પાલિકા કમિશનરના આદેશને ગણકારતા નહોતા અને ચૂંટણીના કામ માટે હાજર થયા ન હોવાથી આ પગલુ લેવામાં આવ્યું હોવાનું સંદીપ રોકડેેએ જણાવ્યું હતું.



