આમચી મુંબઈ

કલ્યાણ ડોંબિવલી પાલિકા દ્વારા રૂ. 3,182 કરોડનું બજેટ જાહેર, ‘આ’ બાબતે લોકોને રાહત

મુંબઈ: મહારાષ્ટ્રમાં આજે વચગાળાના બજેટની સાથે કલ્યાણ ડોંબિવલી મહાનગર પાલિકાનું પણ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. કલ્યાણ-ડોંબિવલી મહાનગર પાલિકાની હદના વિસ્તારમાં સામાજિક કલ્યાણની વિવિધ યોજના સાથે કોઈ કરવેરામાં વધારા વિનાનું બજેટ રજૂ કર્યું હતું.

કલ્યાણ-ડોંબિવલી મહાપાલિકાના કમિશનર ડૉ. ઇન્દુરાણી જાખર દ્વારા મંગળવારે શહેરનું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. નાણાકીય વર્ષ 2024-25 માટે કલ્યાણ-ડોંબિવલી ક્ષેત્રને રૂ. 3,182 કરોડનું બજેટ જાહેર કરવાની સાથે ટેક્સમાં કોઈ પણ વધારો કરવામાં ન આવતા નાગરિકોને તેનો લાભ મળ્યો છે.

પાલિકાના બજેટ બાબતે કમિશનર ડૉ. ઇન્દુરાણી જાખરે માહિતી આપી હતી કે આ બજેટને શહેરના સામાજિક કલ્યાણ અને પર્યાવરણમાં સુધારો કરવા માટે બનાવવામાં આવ્યું છે. આ બજેટમાં દિવ્યાંગ કલ્યાણ યોજના હેઠળ માસિક પેન્શન અને શૈક્ષણિક પહેલ સહિત વિવિધ યોજનાઓની જોગવાઈઓ કરવામાં આવી છે, એવું તેમણે કહ્યું હતું.

કલ્યાણ-ડોંબિવલી માટે જાહેર કરવામાં આવેલા આ બજેટની રકમથી મહિલા હોસ્ટેલ, વિદ્યાર્થીઓ માટે સ્કૉલરશિપ તેમ જ બેઘર નાગરિકો માટે આશ્રયસ્થાનો બનાવવા જેવા અને મહત્ત્વના કામો પાલિકા દ્વારા હાથ ધરવામાં આવવાના છે.

આ સાથે પાલિકાના સ્મશાન ભૂમિના ઇલેક્ટ્રિક પદ્ધતિથી અંતિમ સંસ્કાર કરવાની સુવિધા પૂરી પાડવી, ગ્રીન કવર વધારવા અને ઓટીઝમ ધરાવતા બાળકો માટે સુસજ્જ બગીચાનું નિર્માણ કરવાની સાથે નવી મિયાવાકી પદ્ધતિનો અમલ કરવાની યોજનાઓનું પણ અનાવરણ આ બજેટની રકમથી કરવામાં આવશે, એવી માહિતી પાલિકા દ્વારા જાહેર કરવામાં આવી હતી.

એક અધિકારીએ જણાવ્યું હતું કે પાલિકાની તિજોરીમાં રૂ. 700.15 કરોડ ટેક્સ, રૂ. 308.57 કરોડ જીએસટી અને રૂ. 661.50 કરોડ સ્પેશિયલ એક્ટ હેઠળ જમા થવાની આશા છે. પાલિકાના આ મુખ્ય બજેટમાં સ્થાપના અને વહીવટી ખર્ચ માટે રૂ. 587.59 કરોડ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા માટે રૂ. 194.61 કરોડ અને આરોગ્ય માટે રૂ. 181.68 કરોડની રકમ ફાળવવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button