નશાખોર યુવાનોને પાઠ ભણાવવા કલ્યાણ ડીસીપીની અનોખી કાર્યવાહી…
કલ્યાણઃ કલ્યાણમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાઓમાં વધારો થયો છે. થોડા દિવસો પહેલા ભાજપના એક પદાધિકારીને માર મારવામાં આવ્યો હતો. વધતા જતા ગુનાઓને ડામવા માટે પોલીસ પ્રશાસન એક્શન મોડમાં આવ્યું છે અને ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં જ પોલીસે રસ્તા પર નશામાં ધૂત રહેતા કેટલાક યુવાનોને પાઠ ભણાવવા પોલીસે અનોખી કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો : લાંચના કેસમાં આરોપી વનઅધિકારીના ઘરમાંથી 1.32 કરોડની રોકડ જપ્ત
શેરીઓમાં ડ્રગ્સના વ્યસનીઓ સામે પગલાં લેતા DCPએ તેમને રસ્તા પર ઉઠબેસ કરવાની શિક્ષા કરી હતી. આ બધા વ્યસનીઓને રાત્રે કોલસેવડી પોલીસ સ્ટેશનથી વિઠ્ઠલવાડી પોલીસ સ્ટેશન સુધી ફટકા મારતા મારતા લઇ જવામાં આવ્યા હતા. આ કામગીરીમાં કલ્યાણ ઝોનના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો.
નોંધનીય છે કે તાજેતરમાં જ કલ્યાણમાં સગીર બાળકી પર બળાત્કાર અને હત્યાની ઘટનાથી લોકો હચમચી ઉઠ્યા છે. આ કેસમાં પકડાયેલ આરોપી વિસાલ ગવળી નામચીન ગુનેગાર છે અને તેણે અનેક ગુનાઓમાં જેલમાં સમય પસાર કરવો પડ્યો હોવાનું બહાર આવ્યું છે. આ કમનસીબ ઘટનાને પગલે કલ્યાણ સહિત સમગ્ર રાજ્યમાં આક્રોશનું વાતાવરણ છે અને ગુનેગારને કડક સજા થાય તેવી માંગ ઉઠી છે.
આ પણ વાંચો : કલ્યાણમાં 12 વર્ષની બાળકીની હત્યા કરાઈ હતી: મુખ્ય આરોપી બુલઢાણામાં પકડાયો
કલ્યાણના નાગરિકોએ 13 વર્ષની બાળકીનું કથિતપણે અપહરણ કરીને તેની હત્યા કરનારા આરોપીઓ સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા મોં અને હાથ પર કાળા કપડા (રિબન) બાંધીને રેલી કાઢી હતી. લોકોના આક્રોશને જોઇને પોલીસ પણ એક્શન મોડમાં આવી છે.