ભાજપના વિધાનસભ્ય કાલીદાસ કોલમ્બકર પ્રોટેમ સ્પીકર સાતમી ડિસેમ્બરથી વિધાનસભાનું વિશેષ સત્ર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ભાજપના સિનિયર વિધાનસભ્ય કાલિદાસ કોલમ્બકરે શુક્રવારે (6 ડિસેમ્બર, 2024) નવા ચૂંટાયેલા ગૃહના વિશેષ સત્રના એક દિવસ પહેલા મહારાષ્ટ્ર વિધાનસભાના પ્રો-ટેમ સ્પીકર તરીકે શપથ લીધા હતા.
નવ વખત વિધાનસભ્ય બનેલા કોલમ્બકરને દક્ષિણ મુંબઈમાં રાજભવન ખાતે રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણને શપથ લેવડાવ્યા હતા.
કોલમ્બકર નવા ગૃહમાં સૌથી સિનિયર વિધાનસભ્ય છે અને ગયા મહિને થયેલી વિધાનસભા ચૂંટણીમાં મુંબઈની વડાલા બેઠક પરથી વિજયી થયા હતા.
આ પણ વાંચો :આનંદો! મુંબઇગરાને 300 નવી લોકલ ટ્રેનો મળશે
પ્રો-ટેમ સ્પીકરનું પદ આમ તો એક અસ્થાયી પદ છે અને તેમની જવાબદારી 288 નવા ચૂંટાયેલા વિધાનસભ્યોને શપથ લેવડાવવાની રહેશે અને તેઓ વિધાનસભાની કાર્યવાહીનું સંચાલન કરશે.
કોલમ્બકર મુંબઈમાં સાતમી ડિસેમ્બરથી શરૂ થઈ રહેલા 15મી રાજ્ય વિધાનસભાના ત્રણ દિવસીય વિશેષ સત્ર દરમિયાન નિયમિત સ્પીકરની ચૂંટણીની પણ અધ્યક્ષતા કરશે.
સ્પીકરની ચૂંટણી નવમી ડિસેમ્બરે યોજાશે અને તે પછી દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની મહાયુતિ સરકારનો વિશ્ર્વાસનો મત દ્વારા લેવામાં આવશે જેણે પાંચમી ડિસેમ્બરે શપથ લીધા હતા.
રાજભવનમાં સંક્ષિપ્ત શપથવિધિ સમારોહમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, વિધાન પરિષદના ઉપાધ્યક્ષ નીલમ ગોરે અને મુખ્ય સચિવ સુજાતા સૌનિક હાજર હતા.