આમચી મુંબઈ

જંકશન ટુ જંકશન પદ્ધતિેએ કૉંક્રીટીકરણના કામ કરાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: શહેરના અનેક વોર્ડમાં કૉંક્રીટાઈઝેશનને કારણે રસ્તાના કરવામાં આવેલા ખોદકામને કારણે રાહદારીઓની સાથે વાહનચાલકોને અગવડ પડી રહી છે. દક્ષિણ મુંબઈના કોલાબા અને ફોર્ટ વિસ્તારમાં ફરિયાદો આવ્યા બાદ પાલિકા પ્રશાસને અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક બેરિકેડિંગ કરવા અને શક્ય હોય એટલી વધુ જગ્યા ટ્રાફિક માટે ખુલ્લી મૂકવાની સૂચના આપી છે, જેથી કરીને નાગરિકોને અગવડ ઓછી પડે. પાલિકાએ ૪૩૩ કિલોમીટરના ૧,૧૭૩ રસ્તાઓનું કૉંક્રીટીકરણનું કામ કરી રહી છે, જેમાં પહેલા ફેઝમાં ૨૬૦ રસ્તાઓના કામ પૂરાં થયાં છે અને બીજા ફેઝમાં ૪૯૬ રસ્તાનું કામ ચાલી રહ્યું છે. જોકે મોટા પ્રમાણમાં રસ્તાઓના ખોદકામને કારણે ટ્રાફિક જૅમ, પ્રદૂષણની સાથે નાગરિકોને ભારે હાલાકી થઈ રહી છે.

Also read: રવિવારે દક્ષિણ મુંબઈ ધમધમતું થશે, જાણી લો આ કારણ હશે?

દક્ષિણ મુંબઈના કોલાબા અને ફોર્ટ જેવા વિસ્તારોમાં લાંબા સમયથી ચાલી રહેલા કામને કારણે થઈ રહેલી હાલાકીને કારણે નાગરિકોએ ધરણા કરવાની ધમકી પણ આપી છે. તેને પગલે પાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજીત બાંગરે ગુરુવારે મધરાતે પશ્ર્ચિમ ઉપનગરના અંધેરી અને મલાડમાં રોડ કૉંક્રીટીકરણના કામનું નિરીક્ષણ કર્યું હતું. આ સમયે પાલિકાના અધિકારીઓની સાથે આઈઆઈટીના નિષ્ણાતો અને કવોલિટી મેનેજમેન્ટ એન્ડ કંટ્રોલ એજેન્સીના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

ગુરુવારે મધરાતે મલાડના રામચંદ્ર માર્ગ અને એવરશાઈન નગર રોડ તેમ જ અંધેરીમાં મોડલ ટાઉન માર્ગનું તેમણે ઈન્સ્પેકશન કર્યું હતું. આ દરમિયાન અભિજિત બાંગરે અધિકારીઓને સૂચના આપી હતી કે કૉંક્રીટાઈઝેશનનું કામ જંકશન-ટુ-જંકશન પદ્ધતિનો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવે, જે એક જંકશનને બીજા જંકશન સાથે જોડતો હોય. જો આ કામ ૩૧ મે, ૨૦૨૫ સુધી પૂરું ન થાય તો ખોદકામ કરવું નહીં.

હાલ અનેક સ્થળે રસ્તા ખોદી મૂકવામાં આવ્યા છે ત્યારે ત્યાં પ્રોજેક્ટ વિશેની માહિતી આપતા બોર્ડ ગાયબ થઈ ગયા છે ત્યારે બાંગરે અધિકારીઓને સાઈટ પર સૂચના આપતા બોર્ડ જેમાં કામની ચાલુ થવાની તારીખ અને કામ પૂરું થવાની તારીખ, કુલ સમયગાળો, રસ્તાની લંબાઈ અને પહોળાઈ જેવી વિગતો લખવાનો નિર્દેશ આપ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button