નશામાં ધૂત યુવાનોએ જુહુ બીચમાં ઘુસાડેલી કાર રેતીમાં ફસાઇ ગઇ

મુંબઈ: ખારના રહેવાસીને તેના બે મિત્ર સાથે રાતે ફરવા નીકળવાનું ભારે પડી ગયું હતું. રાતે દારૂ ઢીંચ્યા બાદ કારમાં નીકળેલા યુવાનોએ તેમની કાર જુહુ બીચમાં ઘુસાડી દીધી હતી, જે દરિયા નજીક રેતીમાં ફસાઇ ગઇ હતી. અગ્નિશમન દળના જવાનોએ અઢી કલાકની જહેમત બાદ કારને બહાર કાઢી હતી. આ ઘટના બાદ પોલીસે ત્રણેય યુવાન વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને તેમની કાર પણ જપ્ત કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર ખાર વિસ્તારના રહેવાસી તરુણ યાદવના આંધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશના બે મિત્ર નજીબ સૈયદ તથા બ્રિજેશ સોની મુંબઈ આવ્યા હતા. શુક્રવારે રાતે દારૂ પીધા બાદ ત્રણેય જણે જુહુ બીચ પર જવાનું નક્કી કર્યું હતું.
રાતે આઠ વાગ્યાની આસપાસ દારૂના નશામાં તેણે કાર જુહુ બીચમાં ઘુસાડી દીધી હતી, જે વળાંક લેતી વખતે રેતીમાં ફસાઇ ગઇ હતી. એ સમયે પેટ્રોલિંગ પર હાજર પોલીસ અધિકારીઓની નજર પડતાં તેમણે ત્વરિત અગ્નિશમન દળને ઘટનાની જાણ કરી હતી.
આ પણ વાંચો: મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: અકાસા એરલાઇનના વિમાનને કાર્ગો ટ્રકે ટક્કર મારી
દરમિયાન ઘટનાસ્થળે આવી પહોંચેલા અગ્નિશમન દળના જવાનોએ અઢી કલાકની જહેમત બાદ ટ્રેક્ટરની મદદથી કારને બહાર કાઢી હતી અને બાદમાં ત્રણેય યુવાનને પોલીસ સ્ટેશનમાં લવાયા હતા. ત્રણેય નશામાં હોવાથી તેમની વિરુદ્ધ મોટર વેહિકલ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે તેમને નોટિસ આપ્યા બાદ જવા દેવામાં આવ્યા હતા, પણ તેમની કાર જપ્ત કરાઇ હતી, એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.