આમચી મુંબઈ

જેજે હૉસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટરોનો એચઓડી દ્વારા હેરાનગતિનો આરોપ

મુંબઈ: જેજે હોસ્પિટલના નિવાસી ડોકટરોએ ત્વચારોગ વિભાગના વડા સામે વારંવાર સતામણી, ધાકધમકી અને પ્રતિકૂળ કાર્ય વાતાવરણ બનાવવાનો આરોપ મૂક્યો છે. હોસ્પિટલના ડીનને મોકલવામાં આવેલા પત્રમાં રેસિડેન્ટ ડોક્ટરોએ એચઓડી ડો મહેન્દ્ર કુરાને તેમના પદ પરથી તાત્કાલિક હટાવવાની માગ કરી છે. હોસ્પિટલ પ્રશાસન જો તેમની માંગણીઓ પર ધ્યાન નહીં આપે તો ૧૮ ડિસેમ્બરથી સામૂહિક રજા પર ઉતરી જવાની ચેતવણી પણ તેઓએ આપી છે

મહારાષ્ટ્ર એસોસિએશન ઑફ રેસિડેન્ટ ડોક્ટર્સ (માર્ડ) દ્વારા ગ્રાન્ટ મેડિકલ કોલેજ અને જેજે હોસ્પિટલના ડીનને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ડો. કુરા પોતાના અહંકારને પોષવાના પ્રયાસમાં સાથી ડોકટરો પર બિનજરૂરી જોહુકમી અજમાવે છે, જેને કારણે અનેક પ્રસંગોએ દર્દીની સંભાળ લેવામાં અવરોધ ઊભો થયો છે,, જેમ કે વિભાગના નિવાસી ડોક્ટરોએ અહેવાલ આપ્યો છે.
વધુમાં, રેસિડેન્ટ ડોકટરોએ સૂચવવામાં આવેલી દવાઓના સતત ફેરફાર અને અન્ય વિભાગોની તબીબી સલાહની અવગણના અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. તેઓ દલીલ કરે છે કે આ ક્રિયાઓ માત્ર દર્દીની સંભાળને જોખમમાં મૂકતી નથી પરંતુ કથિત રીતે કેટલાક દર્દીઓના અકાળે મૃત્યુ તરફ દોરી જાય છે.

ડોકટરોના સમર્થનમાં, વિભાગના અન્ય ફેકલ્ટી સભ્યોએ પણ નિવાસી ડોક્ટરોની ચિંતાઓ પર ધ્યાન આપવા માટે હોસ્પિટલના ડીનને પત્ર લખ્યો હતો, જેમાં નિવાસી ચિકિત્સકો માટે અનુકૂળ કાર્ય વાતાવરણ પૂરું પાડવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. પત્રમાં આ બાબતે ઝડપથી નિરાકરણ લાવવાની પણ માગ કરવામાં આવી છે.

આ મુદ્દે, મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ડિરેક્ટોરેટ (ડીએમઈઆર) ના સંયુક્ત નિયામક ડો અજય ચંદનવાલેની અધ્યક્ષતામાં બે સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. પૂણેની બીજી મેડિકલ કોલેજના સ્થાપક ડો. વી પી કાલે સહિતની સમિતિને આરોપોની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ડો. ચંદનવાલેએ જણાવ્યું હતું કે, “રેસિડેન્ટ ડોક્ટર સાથે છ કલાકનું કાઉન્સેલિંગ સત્ર હાથ ધરવામાં આવ્યું છે, અને અમે તેમને સામૂહિક રજા પર ન જવા માટે સમજાવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છીએ. સોમવારે, તપાસ ચાલુ રહેશે, અને એક વ્યાપક અહેવાલ રાજ્ય સરકારને તાત્કાલિક સુપરત કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button