જિયોસ્ટાર મોટો દાવ લગાવશે! નાણાકીય વર્ષ 26માં 33,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભારતની સૌથી મોટી મીડિયા કંપની જિયોસ્ટાર તેના ભવિષ્ય માટે એક મોટું પગલું ભરવાની યોજના ધરાવે છે. કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ ઉદય શંકરે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2025-26 માં જિયોસ્ટાર કોન્ટેન્ટ પર 33,000 કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરશે. તેમણે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (વેવ્ઝ) ખાતે એક ચર્ચા દરમિયાન આ જાહેરાત કરી હતી.
તમને જણાવી દઈએ કે જિયોસ્ટાર એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપની વાયાકોમ18 અને ધ વોલ્ટ ડિઝનીના ભારતીય યુનિટનું સંયુક્ત સાહસ છે. આ કંપનીએ અગાઉ ક્ધટેન્ટમાં પણ ભારે રોકાણ કર્યું છે. કંપનીએ નાણાકીય વર્ષ 2025માં 30,000 કરોડ રૂપિયા અને નાણાકીય વર્ષ 2024માં 25,000 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.
ઉદય શંકરે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષ (2024, 2025 અને 2026)માં કંપનીએ ક્ધટેન્ટ પર 10 બિલિયન ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ તમામ રોકાણ ભારતીય પ્રેક્ષકો માટે છે અને તેમની પસંદ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. વધુમાં, આ રોકાણની વસૂલાત પણ ફક્ત ભારતીય બજારમાંથી જ થશે. શંકર જે બોધી ટ્રી સિસ્ટમ્સના સહ-સ્થાપક પણ છે, તેમણે ભારતીય વાર્તાઓ અને વાર્તા કહેવાની કળાને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમનું માનવું છે કે ભારતીય મીડિયાએ વૈશ્ર્વિક સામગ્રી પર આધાર રાખવાને બદલે પોતાની વાર્તાઓ દુનિયા સમક્ષ પહોંચાડવી જોઈએ.
આપણ વાંચો : ભારતીય મનોરંજન ઉદ્યોગ 100 બિલિયન સુધી પહોંચવા માટે તૈયાર: રિલાયન્સના મુકેશ અંબાણી