સાંતાક્રુઝમાં જ્વેલર્સને પિસ્તોલની ધાક બતાવી દોઢ કરોડના દાગીનાની લૂંટ: વધુ બેની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાંતાક્રુઝમાં ઘરમાં ઘૂસી જ્વેલર્સને પિસ્તોલની ધાકે બાનમાં લીધા પછી અંદાજે દોઢ કરોડ રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવવાના કેસમાં પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી લૂંટેલી બધી મતા હસ્તગત કરવામાં પોલીસને સફળતા મળી હતી.
વાકોલા પોલીસે પકડી પાડેલા પાંચેય આરોપીની ઓળખ બાલુસિંહ ભૈરવસિંહ પરમાર (20), મહિપાલ ચંગરામ સિંહ (21), ભેરુલાલ ઉર્ફે લકી મીઠાલાલ ભીલ (21), મંગીલાલ મીઠાલાલ ભીલ (28) અને કૈલાસ ભંવરલાલ ભીલ (19) તરીકે થઈ હતી. લૂંટના કેસનો મુખ્ય આરોપી બાલુસિંહ પરમાર જ્વેલર્સનો ભૂતપૂર્વ કર્મચારી હતો અને બે વર્ષ અગાઉ જ નોકરી છોડી ગયો હતો, એવું તપાસમાં જણાયું હતું.
પોલીસના જણાવ્યા મુજબ પરમાર તેના બે સાથી સાથે 19 જાન્યુઆરીની સવારે સાડાદસ વાગ્યાની આસપાસ ફરિયાદી નરેશ સોલંકીના સાંતાક્રુઝ પૂર્વમાં વાકોલા બ્રિજ નજીક દત્ત મંદિર રોડ ખાતે આવેલા ઘરે ગયો હતો. પરમાર ઓળખીતો હોવાથી ફરિયાદીએ તેને ઘરમાં આવવા દીધો હતો. ઘટના સમયે ઘરમાં ફરિયાદી સાથે તેની પત્ની હતી.
ઘરમાં ચા-નાસ્તો કર્યા પછી આરોપીએ પિસ્તોલની ધાકે દંપતીને બાનમાં લીધું હતું. બાદમાં બેડરૂમના કબાટમાંથી દાગીના ભરેલી બૅગ લૂંટી આરોપી ફરાર થઈ ગયા હતા. અંદાજે દોઢ કરોડના મૂલ્યના સોના-ચાંદીના દાગીના લૂંટાયા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું.
આ પ્રકરણે વાકોલા પોલીસે ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાના 12 કલાકમાં જ પોલીસે મુખ્ય આરોપી પરમાર, મહિપાલ અને ભેરુલાલને પકડી પાડ્યા હતા. તેમની પૂછપરછ પછી વધુ બે જણની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે પરમાર અને ભેરુલાલ પાસેથી લૂંટેલા દાગીના અને દેશી બનાવટની પિસ્તોલ જપ્ત કરી હતી.