આમચી મુંબઈ

૨૦ જાન્યુઆરીથી મુંબઈમાં આમરણ ઉપવાસ બીડમાં મરાઠા સમાજની સભામાં જરાંગેનું એલાન

બીડ: મરાઠા આરક્ષણ માટે ચાલી રહેલા મરાઠા સમાજના આંદોલનના ભાગરૂપે શનિવારે રાજ્યના બીડમાં આયોજિત કરવામાં આવેલી સભામાં આંદોલનકારી મનોજ જરાંગે-પાટીલે કહ્યું હતું કે સરકાર સમય પસાર કરીને મરાઠા સમાજની છેતરપિંડી કરી રહી છે. અમારી પણ મર્યાદા છે. હવે મુંબઈમાં ધસી જવાનું છે. ૨૦ જાન્યુઆરીથી મુંબઈના આઝાદ મેદાનમાં મરાઠા આરક્ષણ માટે આમરણ ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી.

મરાઠા અનામત માટે લડનારા આંદોલનકારીઓને પોલીસે ૧૮ જાન્યુઆરી સુધીની નોટિસો આપી છે તેના પર બોલતાં તેમણે કહ્યું હતું કે તમે લોકોના ટ્રેક્ટર રોકી શકો છો. પણ મરાઠાને રોકી શકશો નહીં. અત્યાર સુદી ખુબ થયું. હવે મુંબઈમાં ૨૦ જાન્યુઆરીએ મરાઠા અનામત માટે આમરણ ઉપવાસ કરવામાં આવશે અને તેને માટે મરાઠા સમાજે શાંતીપુર્વક મુંબઈ આવવાનું છે.

મરાઠાની એકતાનો મહાપ્રલય બીડમાં એકઠો થયો છે અને હવે મરાઠા આરક્ષણ કેવી રીતે લઈએ છીએ તે જોઈ લેજો. મરાઠા આરક્ષણ મેળવીને જ રહીશું, એવો હુંકાર તેમણે કર્યો હતો.

મરાઠા સમાજ અત્યાર સુધી શાંત હતો, પરંતુ સરકારે હવે જાગી જવાની આવશ્યકતા છે. યેવલાનો એક પાગલ મને શીખવી રહ્યો છે, આને પ્રધાન કોણે બનાવ્યો એવો સવાલ કરતાં જરાંગે પાટીલે રાજ્યના પ્રધાન છગન ભુજબળની ટીકા કરી હતી.

તેમણે કહ્યું હતું કે મરાઠા સમાજ પર કલંક લગાવવામાં આવ્યા છે. કોઈ કહે છે કે અમારા ઘર સળગાવી નાખ્યા, કોઈ કહે છે કે હોટલ સળગાવી દીધી. મરાઠા પર ખોટા આરોપ કરવામાં આવી રહ્યા છે. મરાઠા સમાજે અત્યાર સુધી શાંતીથી મોરચા કાઢ્યા છે તો હવે તેઓ કોઈના ઘર શા માટે સળગાવશે? મરાઠા પર ખોટા આરોપ કરવામાં આવી રહ્યા છે. તેમના જ માણસોએ હોટેલો સળગાવી છે અને નામ મરાઠા સમાજનું લેવામાં આવી રહ્યું છે. સરકાર પણ તેમની જ વાત સાંભળે છે. હવે મરાઠા સમાજ જાગૃત થઈ ગયો છે. હવે મરાઠા આરક્ષણ કેવી રીતે લઈએ છીએ તે જોઈ લેજો, એમ જરાંગે-પાટીલે કહ્યું હતું.

રાજ્ય સરકારને ચેતવણી આપતાં તેમણે કહ્યું હતું કે સરકારે શાણપણ અપનાવવાની આવશ્યકતા છે. તેના એકલાની વાત સાંભળીને જો તમે અમારા વિરોધી વલણ અપનાવવાના હશો, આરક્ષણમાં અવરોધ ઊભા કરવાના હશો તો સમજી જાઓ. મરાઠા સમાજને લટકાવી રાખશો નહીં. નહીંતર શાંતીમાં તમારા સૂપડાં સાફ કરી નાખવામાં આવશે. તમારું રાજકીય અસ્તિત્વ ખતમ કરી નાખવામાં આવસે. તમે નક્કી કરવામાં આવ્યા મુજબ મરાઠા સમાજને આરક્ષણ આપો નહીંતર આગામી આંદોલન તમને ૧૦૦ ટકા ભારે પડશે.

હું આ લોકોથી મેનેજ થઈ શકતો નથી એ તેમની સમસ્યા છે. હું જીવતો છું ત્યાં સુધી મરાઠા આરક્ષણ મેળવીને આપીશ. મરાઠા સમાજ અને મારા સંબંધો માતા-પુત્રના છે. મરાઠા સમાજની આગામી પેઢીને આરક્ષણ મેળવી આપીશ. આની પહેલાની પેઢીનું જીવન આરક્ષણ વગર બરબાદ થઈ ગયું છે. હવે મરાઠા જાગૃત થયો છે.

ભગવાન પણ આડા આવશે તો પણ આરક્ષણ ઓબીસીમાંથી જ લઈશું. આપણે તે લઈને જ રહીશું. મરાઠા સમાજ જેમને મોટા કરે છે, તેઓ મરાઠાના મડદાં પડી રહ્યા હોય ત્યારે તે તરફ જોતા પણ નથી. હવે આવું ચાલશે નહીં. સરકાર ગંભીરતાથી લેતી નથી, પરંતુ હવે તેમને સીધાદોર કરવાની તાકાત મરાઠામાં આવી ગઈ છે. મરાઠાના મત મેળવીને તેમણે ભુજબળ જેવાને મોટા કર્યા છે.

સંયમ જાળવો: મુખ્ય પ્રધાન
મુંબઈ: ૨૦મી જાન્યુઆરીથી મુંબઈમાં આમરણ ઉપવાસ પર બેસવાની મનોજ જરાંગે-પાટીલને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે સંયમ જાળવવાની અપીલ કરી હતી.

મુખ્ય પ્રધાને એક ન્યૂઝ ચેનલને કહ્યું હતું કે મરાઠા અનામત અંગેની ક્યુરેટિવ પિટિશન સુપ્રીમ કોર્ટમાં સ્વીકારવામાં આવી છે. આવી સ્થિતિમાં મરાઠા સમાજે અત્યારે સંયમ રાખવાની આવશ્યકતા છે. રાજ્ય સરકાર મરાઠા સમાજને અનામત આપવા માટે પ્રતિબદ્ધ છે. ફક્ત અન્ય સમાજને નુકસાન ન થાય એવી રીતે અનામત આપવામાં આવશે તેથી અત્યારે સંયમ જાળવવાની આવશ્યકતા છે. ૨૪ જાન્યુઆરીએ સુનાવણી છે, રાજ્ય સરકાર તરફથી વકીલોની ફોજ ઉભી કરવામાં આવી છે. મરાઠા સમાજને ન્યાય આપવામાં આવશે.

સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન
બીડ: મરાઠા સમાજને અનામત આપવાના સંદર્ભે રાજ્ય સરકાર અને અન્યો દ્વારા રજૂ કરવામાં આવેલી ક્યુરેટિવ પિટિશન સુપ્રીમ કોર્ટે દાખલ કરી લીધી છેે. મરાઠા અનામતની દિશામાં આ મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. આ અંગેની માહિતી આપતાં મરાઠા અનામતના પિટિશનર વિનોદ પાટીલે કહ્યું હતું કે ક્યુરેટિવ પિટિશનની સુનાવણી આગામી ૨૪ જાન્યુઆરીએ કરવામાં આવશે. આનો અર્થ એવો થાય છે કે ક્યુરેટિવ પિટિશન નકારવાને બદલે સુપ્રીમ કોર્ટે તેનો સ્વીકાર કર્યો છે. આથી હવે અમને એવો વિશ્ર્વાસ છે કે વહેલામાં વહેલી તકે તેની સુનાવણી થશે અને મરાઠા સમાજને હક્ક્નું આરક્ષણ મળશે.

મરાઠા અનામતના મુદ્દે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી ક્યુરેટિવ પિટિશન પર સુનાવણી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચુડની ખંડપીઠ સમક્ષ ઈન-કેમેરા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકારે પોતાનું વલણ રજૂ કર્યું હતું. ક્યુરેટિવ પિટિશનની સુનાવણી સ્વીકારવામાં આવી કે નહીં તેનો પ્રશ્ર્ન હતો, પરંતુ હવે તે સ્પષ્ટ થઈ ગયું છે. મહારાષ્ટ્ર સરકાર અને મરાઠા સમાજ માટે આ મોટી રાહતની વાત છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત