આમચી મુંબઈટોપ ન્યૂઝનેશનલ

જયપુર-મુંબઈ એક્સપ્રેસ ફાયરિંગ: વધુ 2 કોન્સ્ટેબલ સામે રેલવેની મોટી કાર્યવાહી

મુંબઈઃ જયપુર-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં તહેનાત રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના વધુ બે કોન્સ્ટેબલને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. ડ્યૂટી પર બેદરકારીપૂર્વક કામગીરી બદલ તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ બંને જવાન એ વખતે ટ્રેનમાં હાજર હતા, જ્યારે ટ્રેનમાં કોન્સ્ટેબલ ચેતન સિંહ ચૌધરીએ પોતાના એક વરિષ્ઠ અધિકારી અને ત્રણ પ્રવાસીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ડ્યૂટી પરના કોન્સ્ટેબલ પોતાની કામગીરીમાંથી નિષ્ફળ રહેવા બદલ કોન્સ્ટેબલ અમય આચાર્ય અને નરેન્દ્ર પરમારને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.

રેલવેએ બંનેને નોકરીમાંથી બરતરફ કરવાની સાથે આદેશમાં જણાવ્યું છે કે ડ્યૂટી પરના તહેનાત કોન્સ્ટેબલની જવાબદારી પ્રવાસીઓની સુરક્ષાની હતી, પરંતુ એમ કરવામાં બંને નિષ્ફળ રહ્યા હતા. બંને કોન્સ્ટેબલ પ્રવાસીઓને બચાવવામાં અને હસ્તક્ષેપ કરવાને બદલે છુપાઈ ગયા હતા. રેલવે પોલીસે આચાર્યને આ ઘટનામાં ફરિયાદી બનાવ્યો હતો, જ્યારે ફરિયાદ પક્ષવતીથી પરમારને મુખ્ય સાક્ષી છે.

અહીં એ જણાવવાનું કે ફાયરિંગ કેસમાં મુખ્ય આરોપી ચૌધરીને અગાઉથી નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો છે, જે હાલમાં અકોલા જેલમાં છે. ચૌધરીએ ચાર લોકોની હત્યા કર્યા પછી હેટ સ્પીચ આપી હતી, ત્યારબાદ એનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ ઘટના પછી આરોપીના પરિવારે એ માનસિક રીતે બીમાર હોવાનો દાવો કર્યો હતો, પરંતુ ચાર્જશિટમાં પોલીસે આરોપીને માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે 31 જાન્યુઆરી, 2023ના રોજ મુંબઈ સેન્ટ્રલ-જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં ઓનબોર્ડ ફાયરિંગની કરુણ ઘટના બની હતી, જેમાં ચેતન સિંહના નામના આરપીએફના કોન્સ્ટેબલે અંધાધૂંધ ફાયરિંગ કરતા ચાર જણનાં મોત થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button