ભૂલ થઈ ગઈ હોવાનું ખુદ જૈનાચાર્યે જ કબૂલેલું
જૈન સાધુ સાગરચન્દ્રસાગર મહારાજના મોબાઈલ ફોનમાંથી અશ્લીલ ફોટો ચોરનાર મહિલાએ "મુંબઈ સમાચાર" પાસે કર્યો ચોંકાવનારો ખુલાસો

બિમલ મહેશ્વરી
શું છે આખું પ્રકરણ…
જૈનાચાર્ય સાગરચન્દ્રસાગરના તેમના જ સંઘાડાની બે સાધ્વી અને એક શ્રાવિકા સાથેના અશ્લીલ ફોટો વાયરલ થતાં જૈન સમાજમાં સોપો પડી ગયો છે. જૈન સમાજના અમુક લોકોએ સાગરચન્દ્રસાગરને પાલિતાણામાં સાંસારિક વસ્ત્રો પહેરાવી દેવાનો તાજેતરમાં પ્રયત્ન પણ કર્યો હતો. સાગરચન્દ્રસાગરના ગુરુ અશોકચન્દ્રસાગરે તેમને નિર્દોષ જાહેર કર્યા છે. જો કે આ નિર્ણયથી અસંતુષ્ટ થયેલા અમદાવાદના એક અગ્રણી કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે. બીજી તરફ આ બન્ને સાધ્વી અત્યારે ક્યાં છે એની ખાસ કોઈને ખબર નથી.
મુંબઈઃ દુરાચારના ગંભીર આક્ષેપોથી ઘેરાયેલા જૈનાચાર્ય સાગરચન્દ્રસાગર મહારાજના મોબાઈલ ફોનમાંથી એમની એક ચૂસ્ત અનુયાયી મહિલાએ અશ્લીલ તસવીરો પોતાના ફોનમાં ફોરવર્ડ કરેલી. તનુશ્રી (નામ બદલ્યું છે) નામની આ મહિલાનો મુંબઈ સમાચારે સંપર્ક કર્યો અને આખા પ્રકરણની વિગતવાર ચર્ચા કરી. પ્રસ્તુત છે તનુશ્રી સાથે થયેલી વાતચીતના અંશ :-
- મુંબઈ સમાચારઃ તમે જૈનાચાર્ય સાગરચન્દ્રસાગરના સંપર્કમાં કઈ રીતે આવ્યાં?
તનુશ્રી: ૨૦૦૫માં ભાયંદરમાં તેમનો ચાતુર્માસ હતો ત્યારે હું તેમને પહેલીવાર મળેલી. ત્યારે મારાં મેરેજ પણ થયાં નહોતાં અને ધર્મની ખાસ ગતાગમ પણ નહોતી. એ પછી દોઢ વર્ષ સુધી એમની સાથે કોઈ કોન્ટેક્ટ નહોતો. દોઢ વર્ષ બાદ અમારા રહેણાંક સંકુલમાં જ એમનો ચાતુર્માસ હતો અને ધર્મમાં હવે મને રસ પણ પડવા લાગ્યો હતો. હું તેમને મળતી અને ધીરે ધીરે તેમના પ્રભાવમાં આવી ગઈ. એ ધર્મ અને સારા સંસ્કારોની વાત કરતા. ઘરોબો થઈ ગયેલો એટલે હું પણ મારા ઘરની વાતો કરતી. વાસ્તવમાં બધી ચર્ચા સદંતર નોર્મલ જ હતી. લગ્ન પછી પણ હું એમને મળતી. મને એ જાપ આપતા અને એ હું કરતી. મને પણ જીવનમાં ફરક લાગવા માંડ્યો. વાલકેશ્વર અને પ્રાર્થના સમાજમાં એમનો ચોમાસુ હતો ત્યાં પણ હું પતિની સાથે મળવા જતી. - મું.સ.: તમારી સાથે એમનો વ્યવહાર કેવો હતો?
તનુશ્રી: એમનો વ્યવહાર મારી સાથે એકદમ નોર્મલ જ હતો. ક્યારેય ખરાબ વર્તન કર્યું નથી. તેમને દરેક વયના લોકો મળવા આવતા. ક્યારેય કોઈ સાથે અજુગતું વર્તન કર્યું હોવાની ખબર પડી નથી. વિદેશમાં રહેતી એક શ્રાવિકા તેમને નિયમિત મળવા આવતી. જોકે કંઈ એવી ખરાબ હ૨કત મેં જોઈ નહોતી. - મું.સ.: તમારી પાસે અશ્લીલ ફોટો ક્યારે અને કેવી રીતે આવ્યા?
તનુશ્રી: માર્ચ ૨૦૨૪ની વાત છે. વસઈમાં હાઈવે પાસે એક કારખાનામાં પંચધાતુમાંથી ભગવાનની મૂર્તિ ઢાળવાની પ્રક્રિયા ચાલતી હતી. હું પણ ત્યાં હતી. મારો દસ વર્ષથી એમની સાથે સંબંધ હતો એટલે સાગરચન્દ્રસાગરનો મોબાઈલ મારા હાથમાં આવ્યો. ઝીરો, ઝીરો, ઝીરો પાસવર્ડ નાખવાનો તુક્કો અજમાવ્યો તો લોક ખૂલી ગયું. ગેલેરીમાં ગઈ તો ત્યાં બે સાધ્વી અને એક શ્રાવિકા સાથેના ૨૫-૨૭ જેટલા ફોટો હતા અને બે વીડિયો હતા. આ બધા ફોટા અને વીડિયો મેં મારા ફોનમાં ચૂપચાપ ફોરવર્ડ કરી દીધા. - મું.સ.: સાગરચન્દ્રસાગરને ખબર પડી?
તનુશ્રી: ફોટા અને વીડિયો ફોરવર્ડ કર્યા બાદ મેં ચૂપચાપ ફોન એની જગ્યાએ મૂકી દીધો. એમને ખબર ન પડી. જોકે એ ફોટા અને વીડિયો જોઈ મારી તબિયત બગડી ગઈ. અશ્લીલ ફોટોમાં બે સાધ્વી હતી અને એક શ્રાવિકા હતી. હું ડિપ્રેશનમાં જતી રહી. નવેક મહિના સુધી હું એમને મળી જ નહીં. હું પાલિતાણા પણ ગઈ હતી, પણ એમને મળવાનું મે ટાળેલું. એમનો ફોન આવતો, પણ હું એમની પાસે સતત ખુલાસો જ માગતી. - મું.સ.: કોણ બે સાધ્વી હતી?
તનુશ્રી: ફોટો મારા હાથમાં આવ્યા એ બાદ આ બે સાધ્વી કોણ છે એની તપાસ શરૂ કરી. તપાસમાં બન્ને સાધ્વીના ચરિત્ર વિશે ખરાબ અભિપ્રાય મળ્યા. આમાંની એક સાધ્વીએ જ્યારે હું મળવા ગઈ ત્યારે એણે મારા ગાલ પર હાથ રાખેલો. મારા મતે આ બેડ ટચ હોવાનુ મને ફીલ થયું. વાસ્તવમાં મારી મોટી દીકરીને હું દીક્ષા અપાવવાની હતી, પણ ફોટો હાથમાં આવતા મેં હવે વિચાર બદલી નાખ્યો છે. સાધ્વીઓને મેં જ્યારે ફોટો વિશે પૂછ્યું તો એમણે મને એમ કહ્યું હવે અમે સાગરચન્દ્રસાગરના કોન્ટેક્ટમાં નથી. - મું.સ.: તમે આ ફોટોનું શું કર્યું ?
તનુશ્રી: એક વર્ષથી આ બધા ફોટો મારી પાસે હતા. એકવાર એમાનો એક ફોટો મેં બેમાંથી એક સાધ્વીના બહેનને વોટ્સએપ પર મોકલાવેલો. એણે જોયો કે તરત જ મેં ડીલિટ કરી નાખેલો. વિદેશથી જે શ્રાવિકા મળવા આવતી એને મેં બધા ફોટા મોકલાવેલા, પણ એણે મને એમ કહ્યું કે આ બધી વાતોમાં મને રસ નથી. - મું.સ.: તમે સાગરચન્દ્રસાગરને બ્લેકમેઈલ કરતાં હતાં?
તનુશ્રી: ફોટો મારી પાસે એક વર્ષથી હતા. જોધપુરની જિનશાસન રક્ષાર્થ સમિતિના અધ્યક્ષ કલ્પેશ સિંઘવીને ફોટો મેં નથી આપ્યા. એ કેવી રીતે લીક થયા એની મને ખબર નથી અને મેં ક્યારેય સાગરચન્દ્રસાગરને બ્લેકમેઈલ કર્યા નથી. - મું.સ.: સાગરચન્દ્રસાગર તમને આર્થિક મદદ કરતા હતા?
તનુશ્રી: કોરોનાકાળમાં મારા પતિની નોકરી પણ જતી રહેલી. અમારી આર્થિક પરિસ્થિતિ પણ નબળી હતી. એ અરસામાં મારી દીકરીઓની સ્કૂલની ફીના પૈસા બે વાર સાગરચન્દ્રસાગરે આપેલા. હા, મેં એમની પાસેથી મોબાઈલ હેન્ડસેટ પણ માગેલો જે એમણે આપ્યો નહોતો. - મું. સ.: સાગરચન્દ્રસાગરે ક્યારેય તમને અશ્લીલ ફોટો વિશે ખુલાસો આપ્યો?
તનુશ્રી: નવેમ્બર ૨૦૨૪ના હું પાલિતાણા ગઈ હતી અને ત્યાં સાગરચન્દ્રસાગરને મળી હતી. મેં ખુલાસો માગ્યો તો એમણે પોતાનાથી ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું હતું અને હવે આવી ભૂલ નહીં થાય એવું કહ્યું હતું. - મું.સ.: સાગરચન્દ્રસાગરના માજી શિષ્ય મૈથિલ સાથે તમારી મિલિભગત હતી?
તનુશ્રી: મૈથિલ સુરતનો છે અને એણે સાગરચન્દ્રસાગરના હાથ નીચે દીક્ષા લીધેલી અને ગણતરીના મહિનામાં એ સંસારમાં પાછો આવી ગયેલો. મને કોઈ અજાણ્યા નંબરથી ધમકીના મેસેજ આવતા હતા અને કોણ એ મેસેજ મોકલાવે છે એ શોધવામાં મદદ કરવાની મેં મૈથિલને વિનંતી કરેલી. એ કામ માટે એણે મારી પાસેથી ૧૯ હજાર લીધેલાં જે મેં જીપૅથી ચૂકવેલા. પછી સાગરચન્દ્રસાગર થકી મને ખબર પડી કે આ મેસેજ બેમાંની એક સાધ્વીનો પિતરાઈ નવસારીથી મને મોકલતો હતો. - મું.સ.: તમે મૈથિલને ફોટો આપેલા?
તનુશ્રી: હા. એને ખબર પડી ગયેલી કે મારી પાસે અશ્લીલ ફોટો છે. મેં એને આપ્યા એ બાદ વોટ્સએપ ગ્રૂપમાં એ વાયરલ થઈ ગયા અને સાગરચન્દ્રસાગરનો ભાંડો ફૂટી ગયો. મૈથિલે જ ફોટો લીક કર્યાની મને શંકા છે. - મું.સ.: ફોટો વાયરલ થયા એ પછી સાગરચન્દ્રસાગરનો ફોન આવ્યો?
તનુશ્રી: બેવાર આવ્યો હતો. એકવાર ફોટો લીક થયા કે આવેલો. એમને મારા પર શક હતો અને બીજીવાર મારા અને સાગરચન્દ્ર વચ્ચેનો ફોન સંવાદ લીક થયો ત્યારે આવેલો. હવે હું એમના ટચમાં નથી. - મું.સ.: દીકરીને હજી પણ દીક્ષા અપાવશો?
તનુશ્રી: ક્યારેય નહીં. હવે તો મેં પણ ઉપાશ્રયમાં જવાનું લગભગ બંધ કરી દીધું છે. ઘરમાં જ પૂજાપાઠ કરું છું અને દેરાસરમાં મૂર્તિને પગે લાગવા જાઉં છું. - મું.સ.: ધમકી આવે છે?
તનુશ્રી: ના, નથી આવતી. પારિવાર છે એટલે મારું નામ જાહેર ન કરવા વિનંતી કરું છું.