મુંબઈમાં ફરી કબૂતરખાનાનો મુદ્દો ગરમાશેઃ ત્રીજી નવેમ્બરથી જૈન સમુદાય કરશે આંદોલન

મુંબઈઃ થોડા મહિનાઓ પહેલા મુંબઈના દાદારનું કબૂતરોને ચણ નાખવાનું વર્ષો જૂનું કબૂતરખાનું બંદ કરી દેવામાં આવતા ભારે હોબાળો મચ્યો હતો અને જૈન સમાજ અને મહાનગરપાલિકા આમને સામને આવી ગયા હતા. તે સમયે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે હસ્તક્ષેપ કરી મામલો થાળે પાડ્યો હતો. ત્યારે હવ ફરીથી આ મુદ્દે મુંબઈમાં જૈન સમુદાય આક્રમક મૂડમાં દેખાશે, તેમ લાગી રહ્યું છે.
જૈન મુની નીલેશચંદ્ર વિજયના નેતૃત્વ હેઠળ ત્રીજી નવેમ્બરથી જૈન સમુદાય કબૂતરખાના માટે આંદોલન કરશે. અગાઉ આ આંદોલન 1લી નવેમ્બરથી થવાનું હતું, પરંતુ પોલીસે પરવનગી નકારતા હવે ત્રીજી નવેમ્બરથી શરૂ થવાનું હોવાનુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
1લી નંબર માટે પરવાનગી ન આપવા પાછળ પોલીસે જણાવ્યું હતું કે આ રજાનો દિવસ હોવાથી પરવાનગી આપી નથી. આ સાથે મતદારયાદીમાં થતા કથિત ગોટાળા વિરુદ્ધ મનસે અને મહાવિકાસ આઘાડી પણ મોરચો કાઢવાની જાહેરાત કરી ચૂક્યું છે. એક જ દિવસમાં બે મોટા આંદોલન થાય તો કાયદો અને વ્યવસ્થા રાખવા અઘરા પડે તેમ હોવાથી તેમણે જૈન સમુદાયને ત્રીજી તારીખે મોરચો કાઢવાની પરવાનગી આપી હોવાનુ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
જૈન મુનિ નિલેશ ચંદ્ર વિજયના આમરણાંત ઉપવાસ ફક્ત કબૂતરોના રક્ષણ માટે નથી, પરંતુ અન્ય માગણીઓ માટે પણ છે.
કબૂતરોને ચણ આપવા એ જૈન ધર્મના અહિંસાના સિદ્ધાંત સાથે જોડાયેલી પરંપરા છે અને ધાર્મિક શ્રદ્ધાનો એક ભાગ છે. તેમનો દાવો છે કે બોમ્બે હાઈકોર્ટના આદેશ પછી કબૂતરોના ચણ બંધ થયા હોવાથી કબૂતરો મૃત્યુ પામ્યા છે. આ સાથે, તેમણે મુંબઈમાં જૈન મંદિરોની સુરક્ષા અને રક્ષણની માંગ કરી છે ને ગૌરક્ષાના રક્ષણ માટે એક સ્વતંત્ર બોર્ડની સ્થાપના કરવાની માંગ કરી છે.
આપણ વાંચો: શિવસેનાના ભાગલા પહેલા શિંદે ઉદ્ધવ-રાજ વચ્ચે સુલેહ ઇચ્છતા હતા, રાઉતનો દાવો



