મુખ્ય પ્રધાનની ખાતરી છતાં દાદર કબૂતરખાનાનો વિવાદ વકર્યોઃ જૈનોની પોલીસ સાથે પણ ઝપાઝપી

મુંબઈઃ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈકાલે બેઠક બોલાવી આશ્વાસન આપ્યું છે કે કબૂતરખાના અચાનક હટાવવામાં નહીં આવે અને આ મામલે સંવેદનશીલ વલણ અપનાવવામાં આવશે, છતાં જૈન સમુદાયના લોકો મોટા પ્રમાણમાં દાદાર કબૂતરખાના પહોંચ્યા હતા અને અહીં પોલીસ સાથે પણ ઝપાઝપી થયાના અહેવાલો છે.

હાઈ કોર્ટના આદેશ બાદ મુંબઈ મહાનગરપાલિકાએ દાદર ખાતેનું ખૂબ જ જૂનું કબૂતર ખાનુ બંધ કરી દીધું હતું. આમ થવાથી જૈન સમુદાય સહિત પક્ષીપ્રેમીઓ નારાજ થયા હતા. ગઈકાલે આ મામલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ખાસ બેઠક બોલાવી હતી અને જૈનોની ભાવનાને સમજી હતી. તેમણે અચાનક આ રીતે કબૂતર ખાના બંધ ન કરવા જણાવ્યું હતું.
જોકે આજે સવારે દાદર ખાતે જૈન સમુદાય એકઠો થયો હતો. મહિલાઓએ પ્રાર્થના કરી હતી. ત્યારબાદ પાલિકાએ અહીં ઢાકેલી તાડપત્રી હટાવી અમુક મહિલાઓ કબૂતર ખાનામાં ઘુસી ગઈ હતી. મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં પોલીસકર્મીઓએ વ્યવસ્થા જાળવવાની કોશિશ કરી હતી, જેમાં પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઝપાઝપી થયાના પણ અહેવાલો છે.
હાઈકોર્ટના આદેશ બાદ, મહાનગરપાલિકાએ આ કબૂતરખાના બંધ કરી દીધા. જોકે, કબૂતરખાના બંધ કર્યા પછી પણ, એવું જોવા મળ્યું કે પ્રતિબંધ હોવા છતાં લોકો કબૂતરો પર અનાજ ફેંકી રહ્યા હતા. કોર્ટે આ અંગે નારાજગી વ્યક્ત કરી અને કબૂતરોને અનાજ ફેંકનારાઓ સામે કડક કાર્યવાહી કરવા અને કેસ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો. આ પછી, મહાનગરપાલિકાએ દાદરમાં કબૂતરખાના પર તાડપત્રી લગાવી. જેથી લોકો ત્યાં અનાજ ફેંકી ન શકે અને કબૂતરો ત્યાં બેસી ન શકે.
સતત કબૂતરો આસપાસ રહેતા હોવાથી તેમના પીછા અને ચરકથી શ્વાસ સંબંધી રોગ ફેલાઈ રહ્યો હોવાનું ઘણા કહે છે. આ અંગે સર્વે થવો જોઈએ તેમ પણ સ્થાનિક વિધાનસભ્ય મધ્યેશ સાવંતનું કહેવાનું છે. જૈનધર્મીની તરફેણમાં મુખ્ય પ્રધાને નિર્ણય લીધો હોવાની ટીકા પણ શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ કરી હતી.
આપણ વાંચો: હાઉસિંગ સોસાયટી અને કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટના કચરા પર સુધરાઈનું સીધું નિયંત્રણ રહેશે…