ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ પ્રદીપ શર્માના ઘરે આઈટીની સર્ચ
મુંબઈ: એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ તરીકે જાણીતા નિવૃત્ત વરિષ્ઠ પોલીસ અધિકારી પ્રદીપ શર્માના અંધેરી સ્થિત નિવાસસ્થાને ગુરુવારે આવકવેરા વિભાગે સર્ચ હાથ ધરી હતી. શર્માના નિવાસસ્થાન સહિત અન્ય સ્થળોએ પણ ઈન્કમ ટૅક્સ (આઈટી) વિભાગે સર્ચ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ એક ભૂતપૂર્વ વિધાનસભ્યના પ્રકરણમાં આવકવેરા વિભાગે ગુરુવારે મુંબઈમાં કાર્યવાહી હાથ ધરી હતી. આવકવેરા વિભાગની એક ટીમ ગુરુવારે બપોરે અંધેરીના ચકાલા પરિસરમાં આવેલા શર્માના ઘરે પહોંચી હતી. આ ઘરમાં શર્માના વડીલો રહેતા હોવાનું કહેવાય છે. એન્કાઉન્ટરમાં અનેક ગુંડાઓનાં ઢીમ ઢાળી દીધા પછી શર્મા એન્કાઉન્ટર
સ્પેશિયલિસ્ટ તરીકે ઓળખાતા હતા. પોલીસ તરીકેની કારકિર્દીમાં શર્મા ખાસ્સા વિવાદાસ્પદ અધિકારી રહ્યા હતા. છેલ્લે થાણેના વેપારી મનસુખ હિરેનની હત્યાના કેસમાં જૂન, ૨૦૨૧માં નૅશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ શર્માની ધરપકડ કરી હતી.
ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીના દક્ષિણ મુંબઈ સ્થિત નિવાસસ્થાન એન્ટિલિયા નજીક વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો પાર્ક કરવામાં આવી હતી. એ સ્કોર્પિયો મનસુખ હિરેનની હતી. તપાસમાં હિરેનનું નામ સામે આવ્યા પછી પાંચમી માર્ચે તેનો મૃતદેહ મુંબ્રાની રેતીબંદર ખાડીને કિનારેથી મળી આવ્યો હતો.
આ કેસમાં ધરપકડ કરાયેલા શર્માએ ખાસ્સો સમય જેલમાં વિતાવવો પડ્યો હતો. ઑગસ્ટ, ૨૦૨૩માં સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કરતાં શર્મા જેલમાંથી બહાર આવ્યા હતા.