‘ફેક ન્યૂઝ’ અંગે આઈટીના નિયમો બોમ્બે હાઈ કોર્ટની ખંડપીઠનો બેતરફી ચુકાદો
સુનાવણી નવેસરથી ત્રીજા ન્યાયમૂર્તિ સમક્ષ થશે
મુંબઈ: સરકાર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં રજૂ થતા બનાવટી – નકલી સમાચાર સંદર્ભના સુધારીત ઈન્ફર્મેશન ટેકનોલોજી (આઈટી) નિયમોને પડકારતી કેટલીક અરજીઓ અંગે બોમ્બે હાઈ કોર્ટે બુધવારે બે તરફી ચુકાદો આપ્યો હતો. ન્યાયમૂર્તિ ગૌતમ પટેલ અરજદારના તારણ સાથે સહમત થયા હતા જ્યારે ન્યાયમૂર્તિ નીલા ગોખલેએ સરકારની બાજુ માન્ય રાખી હતી. અદાલતમાં ન્યાયમૂર્તિ પટેલએ જણાવ્યું હતું કે ‘અમારી વચ્ચે અસહમતી છે. મારો ચુકાદો અરજદારની તરફેણમાં છે જ્યારે ન્યાયમૂર્તિ ગોખલેએ સરકારની બાજુ માન્ય રાખી છે. એટલે હવે સુનાવણી નવેસરથી ત્રીજા ન્યાયમૂર્તિ સમક્ષ કરવામાં આવશે.’ આ બાબત હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (ચીફ જસ્ટિસ) સમક્ષ મૂકવામાં આવશે અને તેઓ ત્રીજા ન્યાયમૂર્તિને ચુકાદો આપવા જણાવશે. ચુકાદો નહીં આપવામાં આવે ત્યાં સુધી નકલી, ખોટા અને ગેરમાર્ગે દોરતી સોશિયલ મીડિયા પરની રજૂઆતો ઓળખવા સુધારિત આઈટી નિયમો હેઠળ ફાસ્ટ ચેકિંગ યુનિટ સરકાર દ્વારા નિર્ધારિત નહીં કરવામાં આવે એવા અગાઉ આપેલી બાંયધરી વધુ દસ દિવસ લંબાવવા સોલિસિટર જનરલ તુષાર મહેતા સહમત થયા હતા.
સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરા, એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા અને એસોસિયેશન ઓફ ઈન્ડિયન મેગેઝિન્સ દ્વારા આ નિયમો સ્વચ્છંદી અને ગેરબંધારણીય હોવાનું જણાવી અરજી દાખલ કરવામાં આવી હતી. (પીટીઆઈ)