મુંબઈ મનપાના રોડ કોન્ટ્રાક્ટમાં કથિત ગેરરીતિઓની તપાસની માગણી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ એકનાથ શિંદેના કાર્યકાળ દરમિયાન રોડના કોન્ટ્રાક્ટમાં કથિત ગેરરીતિઓની આર્થિક ગુના શાખા દ્વારા તપાસ કરાવવાની માગણી કરી છે. તેઓ શિંદે અને અન્ય લોકોને તેમના કાર્યકાળ દરમિયાનના મુદ્દાઓ ટાંકીને સરકારમાંથી બાકાત રાખવાની માગણી કરી રહ્યા છે. ઠાકરેએ મુંબઈમાં કચરાના સંગ્રહ પરની નવી ફી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
જવાબદેહી પર ભાર આપતાં શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાને રોડ બાંધકામના કૉન્ટ્રેક્ટોમાં કથિત ગેરરીતિઓની તપાસ કરવા વિનંતી કરી છે. આ બધા કૉન્ટ્રેક્ટ એકનાથ શિંદે મુખ્ય પ્રધાન હતા તે કાર્યકાળમાં બૃહન્મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોણ ક્યાં રહેશે?
આદિત્ય ઠાકરેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, શિંદે, તેમ જ ભૂતપૂર્વ પાલક પ્રધાનોે દીપક કેસરકર અને મંગલ પ્રભાત લોઢાને વર્તમાન સરકારમાંથી દૂર કરવા જોઈએ. આ વિનંતી તેમના પ્રધાનપદના કાર્યકાળમાં આપવામાં આવેલા કોન્ટ્રાક્ટને કારણે કરવામાં આવી છે.
વધુમાં, ઠાકરેએ મુંબઈ પાલિકા દ્વારા કચરાના સંગ્રહ માટે વપરાશકર્તા ફી વસૂલવાના પ્રસ્તાવની ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે તે મુંબઈગરાનું શોષણ કરવાનો પ્રયાસ કરે છે. વિલંબિત પાલિકા ચૂંટણીઓ વચ્ચે મુંબઈ મનપા રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત વહીવટકર્તા હેઠળ રહેતી હોવાથી ઈઓડબ્લ્યુ તપાસની માંગ વધુ તીવ્ર બની રહી છે.