આમચી મુંબઈ

ઇન્ટરપોલ વાયા મુંબઈ પોલીસ: આત્મહત્યા કરવા માગતા શખસને આ રીતે બચાવ્યો

મુંબઈ: ગૂગલ પર સર્ચ કરતા તમને બધુ પળવારમાં મળી જાય છે. હત્યા કરવાની રીત, આત્મહત્યા કરવાની બેસ્ટ રીત, બૉમ્બ બનાવવાની રીત જેવી સંવેદનશીલ માહિતી પણ સર્ચ કરતા હોય છે. મોબાઇલની જિંદગીમાં વ્યસ્ત રહેવાને કારણે અંગત સંબંધો પ્રત્યે પણ ક્યારેક મોં ફેરવી લેતા હોય છે. પરિણામે ઘણા લોકો સમય જતા એકલવાયા અને નિરાશ થઇને જિંદગીની સમસ્યાનું નિરાકરણ શોધી શકતા નથી કે પોતાની નિષ્ફળતા પચાવી નથી શકતા અને મોતને વહાલું કરી લે છે. કદાચ એટલા માટે જ સમાજમાં આજે લોકોમાં આત્મહત્યા કરવાનું પ્રમાણ વધી ગયું છે. આમ છતાં ટેક્નોલોજી વધવાની સાથે વિવિધ દેશોની ટીમો એઆઇ અને અન્ય માધ્યમોથી ગુગલ પર નજર પણ રાખે છે અને આવું કોઇ ખોટું પગલું ઉઠાવનારના પ્રયાસો નિષ્ફળ બનાવવાનો પણ પ્રયાસ કરે છે.

આવા જ એક બનાવમાં મુંબઈ પોલીસની ટીમે એક શખસનો જીવ બચાવી લીધો હતો. આ બાબતે પોલીસને આજે ઈન્ટરપોલ તરફથી એક ઈમેલ મળ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે 28 વર્ષનો અબક (નામ બદલ્યું છે) નામનો વ્યક્તિ ‘સ્યુસાઈડ બેસ્ટ વે’ અંગે ગૂગલ પર સર્ચ કરીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.


પ્રાપ્ત માહિતીના આધારે મુંબઇ પોલીસે તપાસ માટે અલગ અલગ ટીમ બનાવી હતી. પોલીસે અબકના ફોન નંબર ક્યાં અને કયા વિસ્તારમાં કાર્યરત છે તેનું પગેરું મેળવ્યું હતું અને તેને પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા. પૂછપરછમાં તેણે કહ્યું હતું કે તે માલવણી, મલાડ વેસ્ટ, મુંબઈમાં રહે છે અને તેનું મૂળ ગામ રાજસ્થાન છે તેમ જ કેટલાક વર્ષોથી તે મીરા રોડ ખાતે તેના સંબંધી સાથે રહેવા આવ્યો હતો. તેની માતા અગાઉથી મુંબઈમાં રહે છે અને એક કેસમાં 2 વર્ષથી જેલમાં છે. તે અગાઉ એક જગ્યાએ ખાનગી નોકરી કરતો હતો અને છેલ્લા 5-6 મહિનાથી બેરોજગાર હતો. તેને કોઈ કામ મળતું નહીં હોવાથી અને તેની માતાને જામીન ન મળતા તે ટેન્શનમાં હતો. હતાશાના કારણે બે દિવસથી તેના મનમાં આત્મહત્યાના વિચારો આવતા હતા. આથી મેં મારા મોબાઈલમાં ગૂગલ પર ‘સ્યૂસાઈડ બેસ્ટ વે’ સર્ચ કર્યું અને એક વેબસાઈટ પર ચેટ કરી અને આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યો હતો.


પોલીસે તેની સાથે પ્રેમથી વાત કરી અને તેને આત્મહત્યા નહીં કરવાની સલાહ આપી હતી. આથી અબકે પોતાનો વિચાર બદલી નાખ્યો હતો. તેણે કહ્યું હતું કે તેણે તેના મગજમાંથી આત્મહત્યાનો વિચાર કાઢી નાખ્યો છે. ત્યાર બાદ પોલીસે અટકાયત કરાયેલ વ્યક્તિના પિતરાઇ ભાઇને પણ ઓફિસમાં બોલાવ્યો હતો અને ઉક્ત ઇસમને સલામત રીતે તેને સોંપવામાં આવ્યો હતો. પોલીસ હવે તેને યોગ્ય નોકરી અપાવવાનો પણ પ્રયાસ કરશે એવી ખાતરી આપી હતી. વેલ, એક નિરાશ વ્યક્તિને નવું જીવન જીવવવાની આશા આપીને તેનો જીવ બચાવનાર મુંબઇની પોલીસ ટીમને ઘણા અભિનંદન.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button