બદલાપુરમાં ઇન્ટિરિયર ડેકોરેટર સાથે 97 લાખ રૂપિયાની છેતરપિંડી: ચાર સામે ગુનો

થાણે: સીએસઆર ફંડ મારફત બિઝનેસ લોન મેળવી આપવાને બહાને ઇન્ટિરિયર ડેકોરેટર સાથે 97.75 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ ચાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
બદલાપુર વિસ્તારમાં રહેનારા 45 વર્ષના ફરિયાદીને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ 2.75 કરોડ રૂપિયાની બિઝનેસ લોન મેળવી આપવાનું આરોપીઓએ આશ્ર્વાસન આપ્યું હતું. ફરિયાદીનો વિશ્ર્વાસ સંપાદન કર્યા બાદ આરોપીઓએ ફરિયાદીને બૅંક ગેરેન્ટીની રકમ ડિપોઝિટ કરવાનું કહ્યું હતું. આરોપીઓ પર વિશ્ર્વાસ રાખીને ફરિયાદીએ 99.25 લાખ ચૂકવ્યા હતા, એમ બદલાપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
આ રકમમાંથી 1.5 લાખ રૂપિયા ફરિયાદીને બાદમાં પાછા આપવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 97.75 લાખ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી.
પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં ફરિયાદીએ સોમવારે પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પ્રાથમિક તપાસ કરવામાં આવ્યા બાદ પોલીસે ચાર શખસ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની શોધ આદરી હતી, એમ અધિકારીએ કહ્યું હતું.
(પીટીઆઇ)
આ પણ વાંચો…ભંગાર વિક્રેતા સાથે 46 લાખની છેતરપિંડી: પિતા-પુત્ર સામે ગુનો…