આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

પતિ vs પત્ની, બાપ vs દીકરો; મહારાષ્ટ્રની આ બેઠકો પર રસપ્રદ મુકાબલો

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી (Maharashtra assembly election) માટે 20 નવેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે, મહાયુતી અને મહા વિકાસ આઘાડી ગઠબંધનો રાજ્યમાં સરકાર બનાવવા પ્રયત્નો કરી રહ્યા છે, આ ઉપરાંત અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારો પણ મેદાને છે. મહારાષ્ટ્રની ઘણી બેઠકો પર ચૂંટણી ખુબ રસપ્રદ રહેશે. કેટલીક બેઠકો પર પતિ સામે પત્ની, બાપ સામે દીકરો, કાકા સામે ભત્રીજાનો મુકાબલો થવાનો છે.

પવાર vs પવાર:
સૌથી હાઈપ્રોફાઈલ મુકાબલો પવાર પરિવારના સભ્યો વચ્ચે બારામતી બેઠક પર થશે. શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર યુગેન્દ્ર પવાર બારામતી બેઠક પરથી તેમના કાકા અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સામે ચૂંટણી લડી રહ્યા છે.

અજિત પવાર સાત વખત બારામતી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે અને એક વખત બારામતી લોકસભા બેઠક પણ જીતી ચૂક્યા છે. આ બીજી વખત છે જ્યારે પવાર પરિવારના ગઢ ગણાતા બારામતીમાં પરિવારોના સભ્યો વચ્ચે સ્પર્ધા જોવા મળશે. 2024ની લોકસભા ચૂંટણીમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની પત્ની સુનેત્રા પવારને તેમની ભાભી અને NCP (શરદચંદ્ર પવાર)ના નેતા સુપ્રિયા સુળેએ બારામતી સંસદીય બેઠક પરથી હાર આપી હતી.

કર્જત-જામખેડ બેઠક પર અજિત પવારના અન્ય ભત્રીજા રોહિત પવાર એનસીપી (શરદચંદ્ર પવાર) તરફથી બીજેપીના રામ શિંદે સામે ચૂંટણી લડી રહ્યા છે. રોહિત પવાર શરદ પવારના પૌત્ર છે.

પતિ vs પત્ની:
છત્રપતિ સંભાજીનગરના કન્નડ બેઠક પર અપક્ષ ઉમેદવાર હર્ષવર્ધન જાધવ તેમનાથી અલગ રહી રહેલી પત્ની અને શિવસેનાના ઉમેદવાર સંજના જાધવ સામે ચૂંટણી લડી રહ્યા છે. સંજના ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેની પુત્રી છે. સંજના જાધવના ભાઈ સંતોષ દાનવે ભાજપના ઉમેદવાર તરીકે જાલનાના ભોકરદનથી ચૂંટણી લડી રહ્યા છે.

ઠાકરે પરિવાર:
ઠાકરે પરિવારના સભ્યો મુંબઈની અલગ અલગ સીટો પરથી ચૂંટણી લડી રહ્યા છે. શિવસેનાના વર્તમાન વિધાનસભ્ય આદિત્ય ઠાકરે શિવસેના (UBT) તરફથી વરલી બેઠકથી ફરીથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે તેમની માસીના પુત્ર વરુણ સરદેસાઈ શિવસેના (UBT)ની ટિકિટ પર વાંદ્રે (બાંદ્રા) પૂર્વ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આદિત્યના પિતરાઈ ભાઈ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે માહિમ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

પિતા અને સંતાન અલગ અલગ પાર્ટી તરફથી ચૂંટણી મેદાનમાં:
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન ગણેશ નાઈક એરોલી બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે જ્યારે તેમના પુત્ર સંદીપ પડોશી બેલાપુર બેઠક પરથી NCP (SP)ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. એ જ રીતે મહારાષ્ટ્રના પ્રધાન વિજયકુમાર ગાવિત અને તેમની પુત્રી અને પૂર્વ સાંસદ હિના ગાવિત પણ ચૂંટણી લડાઈમાં છે. વિજયકુમાર ગાવિત નંદુરબાર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે જ્યારે તેમની પુત્રી પડોશી અક્કલકુવા વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહી છે.

કાકા-ભત્રીજા ચુંટણી મેદાને:
NCP (SP)ના રાજ્ય પ્રમુખ જયંત પાટીલ ઈસ્લામપુરથી ચૂંટણી લડી રહ્યા છે જ્યારે તેમના ભત્રીજા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન પ્રાજક્ત તાનપુરે પાર્ટીની ટિકિટ પર રાહુરીથી ચૂંટણી લડી રહ્યા છે. NCPના પ્રધાન છગન ભુજબળ યેવલાથી ચૂંટણી લડી રહ્યા છે જ્યારે તેમના ભત્રીજા અને પૂર્વ સાંસદ સમીર ભુજબલ નંદગાંવથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

બંને સગાભાઈ ચુંટણી મેદાને:
ભાજપના મુંબઈ યુનિટના અધ્યક્ષ આશિષ શેલાર મુંબઈની વાંદ્રે (બાંદ્રા) પશ્ચિમ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. દરમિયાન તેમના ભાઈ અને પાર્ટીના ઉમેદવાર વિનોદ શેલાર મલાડ પશ્ચિમથી ચૂંટણી લડી રહ્યા છે.

Also Read – Maharashrta ચૂંટણી માટે MVA એ જાહેર કર્યો મેનિફેસ્ટો, વાયદાઓનો વરસાદ

ભાજપના સંતુકરાવ હંબાર્ડે નાંદેડ લોકસભા બેઠક પરથી પેટાચૂંટણી લડી રહ્યા છે જ્યારે તેમના ભાઈ અને વર્તમાન વિધાનસભ્ય મોહનરાવ હંબર્ડે કોંગ્રેસના ઉમેદવાર તરીકે નાંદેડ દક્ષિણ વિધાનસભા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે.

કોંગ્રેસના વર્તમાન સાંસદ વસંતરાવ ચવ્હાણના અવસાનના કારણે નાંદેડ લોકસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. આ સીટ પર પેટાચૂંટણી માટે 20 નવેમ્બરે મતદાન થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button