ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા બાદ લગ્નની લાલચે મહિલા પર કર્યો બળાત્કાર: યુવકની ધરપકડ

થાણે: ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થયા બાદ લગ્નની લાલચે મહિલા પર વારંવાર બળાત્કાર ગુજારવા બદલ ભિવંડીના 26 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની ઓળખ અશરફ અફસર ચૌધરી તરીકે થઇ હોઇ તે દુબઇ ભાગી છૂટવાની તૈયારીમાં હતો, પણ એ પહેલા પોલીસના સકંજામાં સપડાઇ ગયો હતો.
કલ્યાણમાં રહેતી પચીસ વર્ષની મહિલાએ 2 જુલાઇએ આરોપી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાની મિત્રતા ગયા વર્ષે ઇન્સ્ટાગ્રામ પર આરોપી સાથે થઇ હતી. મહિલાનો વિશ્ર્વાસ સંપાદન કર્યા બાદ આરોપીએ લગ્નની લાલચ આપીને જુલાઇ, 2024થી જૂન, 2025 દરમિયાન વિવિધ સ્થળે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
આપણ વાંચો: કુરિયર ડિવિલરી એજન્ટના સ્વાંગમાં ફ્લેટમાં ઘૂસી આઇટી પ્રોફેશનલ પર બળાત્કાર: શકમંદ પકડાયો…
પોલીસ ફરિયાદ અનુસાર મહિલાનો પહેલો પતિ નાદુરસ્ત તબિયતને કારણે મૃત્યુ પામ્યો હતો અને મહિલાએ બાદમાં રાજસ્થાનના શખસ સાથે લગ્ન કર્યાં હતાં. જોકે અશરફ ચૌધરી સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થયા બાદ તેણે મહિલાને બીજા પતિને છૂટાછેડા આપવાનું કહ્યું હતું. અશરફના કહેવાથી મહિલાએ બીજા પતિને છૂટાછેડા આપી દીધા હતા.
જોકે અશરફે બાદમાં મહિલા સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો, એમ કોનગાંવ પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું. દરમિયાન મહિલાએ સામાજિક કાર્યકરનો સંપર્ક સાધ્યો હતો, જે તેને ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશનમાં લઇ ગયો હતો. મહિલાએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે અશરફ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ તેની શોધ ચલાવાઇ હતી.
અશરફ દુબઇ ભાગી છૂટવાની તૈયારી કરી રહ્યો હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ તેને ભિવંડીના તેના નિવાસેથી ઝડપી પાડ્યો હતો. (પીટીઆઇ)