આમચી મુંબઈ

મોદીના વિકાસકાર્યોથી પ્રેરિત થઇને ભાજપમાં પ્રવેશ કર્યો: ચવ્હાણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વાજતે ગાજતે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસના કદાવર નેતા અશોક ચવ્હાણે સત્તાવાર રીતે મંગળવારે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેમ જ મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેની હાજરીમાં તેઓ ભાજપમાં સામેલ થયા હતા. પણ કૉંગ્રેસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ એવા અશોક ચવ્હાણનો રથ ભાજપની છાવણી સુધી પહોંચ્યો કઇ રીતે તેનો જવાબ પોતે અશોક ચવ્હાણે આપ્યો હતો.

તેમનો રથ ભાજપની છાવણીમાં લઇ આવનાર સારથિ બીજા કોઇ નહીં, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હોવાનું અશોક ચવ્હાણે જણાવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લાં દસ વર્ષમાં દેશમાં અને મહારાષ્ટ્રમાં જે વિકાસ થયો છે તેમ જ રાજ્ય અને દેશને જે દિશા મળી છે તેનાથી પ્રભાવિત થઇને તેઓ ભાજપમાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી જે કામ કરી રહ્યા છે તેનાથી અમને પ્રેરણા મળી છે અને મહારાષ્ટ્ર તેમ જ દેશના વિકાસમાં અમે અમારું યોગદાન આપીએ એવી ઇચ્છા લોકોમાં જાગૃત થઇ છે. વિકાસમાં હું મારો ફાળો આપી શકું એ માટે હું આજે ભાજપમાં જોડાવ છું.

અશોક ચવ્હાણ ઉપરાંત નાંદેડના કૉંગ્રેસના વરિષ્ઠ નેતા તેમ જ ભૂતપૂર્વ વિધાનસભ્ય અમરનાથ રાજુરકર પણ ભાજપમાં જોડાયા હતા. તેઓ અશોક ચવ્હાણના ખૂબ વિશ્ર્વાસુ પણ ગણાય છે.
નાશિક, યવતમાળ, સોલાપુરના સેંકડો કાર્યકર્તા પણ ભાજપમાં સામેલ
અશોક ચવ્હાણની સાથે નાશિક, સોલાપુર, યવતમાળ, પુણે, સતારાથી આવેલા અનેક કાર્યકર્તાઓ પણ ભાજપમાં સામેલ થયા હતા. અશોક ચવ્હાણનો વિજય થાવ, એવા નારા સાથે સેંકડો લોકો ભાજપમાં જોડાયા હતા. અનેક ગામોના સરપંચ, જિલ્લાધ્યક્ષ, વૉર્ડ અધ્યક્ષ જેવા વિવિધ પદે રહેલા કાર્યકર્તાઓ અને પદાધિકારીએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો.

ભાજપમાં પ્રવેશવા ૩૦૦ રૂપિયા ‘એન્ટ્રી-ફી’

અશોક ચવ્હાણે નિયમ મુજબ ભાજપની પ્રાથમિક સદસ્યતા સ્વીકારી હતી અને તેનું ફોર્મ પણ ભર્યું હતું. આ ઉપરાંત સદસ્યતા માટે વસૂલવામાં આવતી ફી પણ તેમણે ચૂકવી હતી. તેમણે ભાજપ પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત બાવનકુળેને ૩૦૦ રૂપિયાની ફી આપી હતી અને કહ્યું હતું કે આ લ્યો, પક્ષની ફી. ફડણવીસ અને બાવનકુળેએ પણ સસ્મિત આ ફી સ્વીકારી હતી.

આજે મારો પુનર્જન્મ

અશોક ચવ્હાણે ભાજપમાં નવી સફર શરૂ કરી તેને જીવનની નવી શરૂઆત ગણાવતા કહ્યું હતું કે હું ૩૮ વર્ષથી રાજકારણમાં છું અને મેં જે નિર્ણય લીધો એ સહેલો નહોતો, પણ વિકાસની યાત્રામાં સહભાગી થવું જરૂરી હતું. આજે ખરા અર્થમાં મારો પુનર્જન્મ થયો છે. કૉંગ્રેસે મને ઘણું બધુ આપ્યું એ વાત સો ટકા સાચી છે. પણ મેં પણ કૉંગ્રેસને ઘણું બધુ આપ્યું એ વાત કોઇ નકારી શકે નહીં. મારા ભાજપ પ્રવેશથી ભાજપને બળ મળે અને રાજ્ય તેમ જ દેશને તેનો ફાયદો થાય એ જ ઉદ્દેશ છે.

ચવ્હાણની ‘મદદ’ ક્યાં લેવી એ અમે સારી રીતે જાણીએ છીએ: ફડણવીસ

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સત્તાવાર રીતે અશોક ચવ્હાણનું ભાજપમાં સ્વાગત કર્યા બાદ તેમણે અશોક ચવ્હાણની પક્ષમાં શું ભૂમિકા હશે તે વિશે વાત કરી હતી. તેમને રાજ્યસભા સાંસદ બનાવાશે કે નહીં તેનો જવાબ આપતા કહ્યું હતું કે અશોક ચવ્હાણ વરિષ્ઠ અને અનુભવી નેતા છે અને તેમને રાજ્યસભામાં મોકલવા કે અન્ય ભૂમિકા સોંપવી તેનો નિર્ણય ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ લેશે. તેમનું કદ રાષ્ટ્રીય સ્તરનું છે અને તેમને એ રીતની જ કામગીરી સોંપાશે. રહી વાત શું અમે તેમના દ્વારા અન્ય વિધાનસભ્યો કે કાર્યકરોને ભાજપમાં સામેલ કરવા તેમની મદદ લેવાની. તો ક્યારે અને કઇ રીતે તેમની મદદ લેવી તે ભાજપ સારી રીતે જાણે છે. તેમના અનુભવનો ઉપયોગ અમે પ્રશાસન કરવામાં અને અન્ય રીતે પણ કરીશું.

શેલારને ભૂલમાં ‘મુંબઈ કૉંગ્રેસ’ના અધ્યક્ષ કહ્યા ચવ્હાણે
ચાર દાયકાથી કૉંગ્રેસમાં કાર્યરત ચવ્હાણે ભાજપ પ્રવેશ વખતે ભૂલમાં મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલારને મુંબઈ કૉંગ્રેસના અધ્યક્ષ કહી દીધા હતા. જેને પગલે દેવેન્દ્ર ફડણવીસ સહિત બધા જ નેતાઓ અને પત્રકારોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. જોકે, પછીથી તેમણે માફી માગી કહ્યું હતું કે હું આદતથી ટેવાયેલો છું. આજે ભાજપમાં મારો પહેલો દિવસ છે. તો મને માફ કરજો.
આદર્શ કેસનો ફેંસલો મારા પક્ષમાં

વિરોધ પક્ષ આદર્શ ગોટાળા મામલે ચવ્હાણ પર નિશાન તાકી રહ્યા છે ત્યારે ભાજપ પ્રવેશ કરતા વખતે તેમણે કહ્યું હતું કે અદાલતે આ કેસમાં ફેંસલો આપી દીધો છે અને તે ફેંસલો મારા પક્ષમાં હતો. હું કોઇ પક્ષ વિશે કે કોઇ ઉપર વ્યક્તિગત ટીપ્પણી કરવા માગતો નથી. આજથી હું નવી સકારાત્મક શરૂઆત કરું છું તો અભિગમ પણ સકારાત્મક રાખીશ. કોઇ નકારાત્મક વાત હું નથી કરવા માગતો.

ચવ્હાણ રાજ્યસભામાં આવે તે સૈનિકોનું અપમાન: ઉદ્ધવ
મુંબઈ: ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા છે અને તેમને રાજ્યસભામાં સાંસદ બનાવવામાં આવે એવી ચર્ચા છે. આ ચર્ચાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ અશોક ચવ્હાણ અને ભાજપ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે જો ભાજપ અશોક ચવ્હાણને રાજ્યસભામાં મોકલશે તો તે આપણા શહીદ જવાનોનું અપમાન ગણાશે.
આદર્શ કૌભાંડની યાદ અપાવતા ઉદ્ધવે આ રીતે અશોક ચવ્હાણ અને ભાજપ પર પ્રહાર કર્યો હતો. છત્રપતિ સંભાજીનગરમાં એક રેલીને સંબોધતા ઉદ્ધવે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આ પહેલા નાંદેડ ગયા હતા અને અશોક ચવ્હાણ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર વિશે નિવેદનો આપ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે ચવ્હાણે શહીદ જવાનોનું અપમાન કર્યું છે.

ઉદ્ધવે વધુમાં કહ્યું હતું કે જો વડા પ્રધાન ચવ્હાણને રાજ્યસભામાં મોકલશે તો તે આપણા શહીદ જવાનોનું અપમાન ગણાશે. ભૂતકાળમાં ફડણવીસે ચવ્હાણને તે લીડર નહીં, પરંતુ ડીલર છે, એમ કહીને તેમની ટીકા કરી હતી. તેમણે આદર્શ કૌભાંડને શહીદોનું અપમાન ગણાવ્યું હતું અને હવે હું એ જાણવા માગું છું કે શું વડા પ્રધાન જે વ્યક્તિએ સૈનિકો અને તેમના કુટુંબનું અપમાન કર્યું તેને રાજ્યસભામાં મોકલાવશે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button