આમચી મુંબઈ

કર્જતમાં પુલ પરથી ઈનોવા કાર ગૂડ્સ ટ્રેન પર પડી, ત્રણનાં મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રેલવેની હદમાં અકસ્માતોમાં નિરંતર વધારો થઈ રહ્યો છે, પરંતુ આજે મુંબઈ નજીકના કર્જત ખાતે રેલવેની હદમાં ખતરનાક અકસ્માત સર્જાયો હતો. મધ્ય રેલવેમાં કર્જત નજીક ઈનોવા કાર પુલ પરથી નીચે ગુડ્સ ટ્રેન પર પડી હતી, જેમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં.

મંગળવારે વહેલી પરોઢના એક કાર પુલ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે આ અકસ્માત થયો હતો. ઈનોવા કાર ગુડ્સ ટ્રેન પર પડી હતી, જેમાં ત્રણ લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય બે લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

આ બનાવ પછી રેલવે પોલીસ અને કર્જત રેલવે સ્ટેશનના મેનેજરને જાણ કર્યા પછી રેલવેના પાટા પરથી કારને ખસેડવા જેસીબીની મદદ લેવામાં આવી હતી. કાર પડવાને કારણે ગૂડ્સ ટ્રેનના કપલિંગ તૂટ્યા હતા, ત્યારબાદ સેક્શનમાં ટ્રેનસેવાને રોકવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ અકસ્માત અંગે પનવેલ પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે આ અકસ્માત અંદાજે ચાર વાગ્યાની આસપાસ થયો હતો. કારચાલક (ઈનોવા-એમએચ૪૬બીએ ૪૨૬૧) મુંબઈ-પનવેલ રોડથી વાયા નેરલ જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં ત્રણ જણનાં મોત થયાં છે, જેમાં મૃતકની ઓળખ ધર્માનંદ ગાયકવાડ (૪૧) તથા તેના કાકાના ભાઈ મંગેશ જાધવ (૪૬) અને નીતિન જાધવ (૪૮) તરીકે કરવામાં આવી છે. આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button