ડ્રગ્સના કેસમાં ઇન્ફ્લ્યુએન્સર ઓરી પોતાનું નિવેદન નોંધાવવા પોલીસ સમક્ષ હાજર થયો

મુંબઈ: ડ્રગ્સની જપ્તીના કેસમાં મંગળવારે અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઇ સિદ્ધાંત કપૂરની પોલીસે પાંચ કલાક સુધી પૂછપરછ કર્યા બાદ બુધવારે બોલીવૂડના સોશિયલાઇટ તેમ જ ઇન્ફ્લ્યુએન્સર ઓરહમ અવત્રામાની ઉર્ફે ઓરી પોતાનું નિવેદન નોંધાવવા માટે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ-નાર્કોટિક્સ સેલ (એએનસી)ના ઘાટકોપર યુનિટની ઓફિસમાં ઓરી બપોરે 1.30 વાગ્યે હાજર થયો હતો. ઓરીને ગયા ગુરુવારે એએનસીના અધિકારીઓ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું હતું, પણ તેણે વધુ સમય માગ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ 252 કરોડ રૂપિયાના ડ્રગ્સની જપ્તીના કેસના મુખ્ય આરોપી મોહંમદ સલીમ મોહંમદ સુહૈલ શેખની પૂછપરછમાં ઓરીનું નામ સામે આવ્યું હતું.
મોહંમદ સલીમે દાવો કર્યો હતો કે તે ભારત અને વિદેશોમાં ફિલ્મ-ફેશન સેલિબ્રિટીઝ, રાજકારણી અને ભાગેડુ ગેન્ગસ્ટર દાઉદ ઇબ્રાહિમના સંબંધી માટે રેવ પાર્ટીઓનું આયોજન કરતો હતો, જેમાં ઓરીના નામનો પણ સમાવેશ હતો.
સાંગલીમાં ડ્રગ્સની ફેક્ટરીનો પર્દાફાશ કરીને પોલીસે 252 કરોડ રૂપિયાનું મેફેડ્રોન જપ્ત કર્યું હતું. મોહંમદ સલીમને દુબઇથી ડિપોર્ટ કરવામાં આવ્યા બાદ આ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તે સલીમ ડોલાનો નિકટવર્તી હતો અને સલીમ ડોલા ભારતમાં મેફેડ્રોન ડ્રગ્સનું ઉત્પાદન તથા વિતરણના કામ પર ધ્યાન રાખતો હતો.
આપણ વાંચો: બોગસ પાસપોર્ટની મદદથી ઓમાન જતી મહિલા ઍરપોર્ટ પર પકડાઈ



