આમચી મુંબઈ

મુંબઈ ઍરપોર્ટના વૉશરૂમમાંની કચરા ટોપલીમાંથી મૃત શિશુ મળ્યું…

મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટના વૉશરૂમમાંની કચરા ટોપલીમાંથી શિશુ મૃત અવસ્થામાં મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ઍરપોર્ટના ટર્મિનલ-ટુ પાસેના વૉશરૂમમાંથી મંગળવારની રાતે 10.30 વાગ્યાની આસપાસ શિશુ મળી આવ્યાના અહેવાલને સમર્થન આપ્યું હતું.

કચરાટોપલીમાં શિશુ હોવાની માહિતી મળતાં જ ઍરપોર્ટ સિક્યોરિટી દ્વારા પોલીસને જાણ કરાઈ હતી. સહાર પોલીસની ટીમ તાત્કાલિક ઍરપોર્ટ પહોંચી હતી. નિશ્ર્ચેતન શિશુને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયું હતું, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યું હતું.

આ પ્રકરણે સહાર પોલીસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. શકમંદને શોધી કાઢવા માટે પોલીસ વૉશરૂમ નજીકના અને ઍરપોર્ટ પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી રહી છે. પોલીસના કહેવા મુજબ એક દિવસનું શિશું કોઈ ડસ્ટબીનમાં ફેંકીને રવાના થઈ ગયાનો અંદાજ છે.

આ પણ વાંચો : શાળામાં પાંચમા ધોરણની વિદ્યાર્થિનીની મારપીટ: શિક્ષિકા સામે ગુનો

શિશુ સંબંધી માહિતી મેળવવા માટે પોલીસ હૉસ્પિટલ, ઘોડિયાઘર અને આશ્રયઘરના સંપર્કમાં છે. એ સિવાય વૉશરૂમ તરફ જનારા પ્રવાસીઓની પણ વિગતો પોલીસ પ્રાપ્ત કરી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button