Mumbai Airport: ધુમ્મસને કારણે મુસાફરોને હાલાકી, ફ્લાઈટના ઉપાડતા મુસાફરો રનવે પર જ બેસી ગયા
મુંબઈ: ઉત્તર ભારતમાં ધુમ્મસના કારણે ટ્રેન અને પ્લેનમાં મુસાફરી કરતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 14 જાન્યુઆરીના રોજ ગોવાથી દિલ્હી આવી રહેલી એક ફ્લાઈટને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી, ત્યારબાદ ફ્લાઈટ ઉપડવામાં લાંબો વિલંબ થયો હતો. મુસાફરોની ધીરજ ખૂટતા તેઓ રનવે પર જ પર બેસી ગયા. જેનો મુસાફરોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ઈન્ડિગોએ મુસાફરોની માફી માંગી અને કહ્યું કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે એરલાઈન જરૂરી પગલાં લેશે. રનવે પર બેઠેલા મુસાફરોનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મુસાફરોના જણાવ્યા મુજબ 14 જાન્યુઆરીએ દિલ્હી ઈન્ડિગોની ફ્લાઈટ લગભગ 18 કલાક મોડી પડી હતી અને ત્યાર બાદ ફ્લાઈટને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી. વિલંબથી નિરાશ, ફ્લાઇટ 6e2195 ના મુસાફરોએ આરામ કરવા રનવે પર જ બેસી ગયા હતા, અને ઇન્ડિગો એરક્રાફ્ટની બાજુમાં બેસીને ડીનર લીધું.
આ વીડિયો વાયરલ થયા બાદ એરલાઈને પોતાનો પક્ષ રજૂ કર્યો છે. ઈન્ડિગોએ કહ્યું કે અમે 14 જાન્યુઆરી, 2024ના રોજ ગોવાથી દિલ્હી આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ સંબંધિત ઘટનાથી વાકેફ છીએ. દિલ્હીમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી હોવાથી અમે ફ્લાઈટને મુંબઈ ડાયવર્ટ કરી. અમે આ માટે માફી માંગીએ છીએ. અમે અમારા ગ્રાહકોને પડતી અસુવિધા અંગે તપાસ કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે જરૂરી પગલાં લઈશું.
આ મામલે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટે પણ નિવેદન આપતા કહ્યું કે આગળની કાર્યવાહી ન થાય ત્યાં સુધી મુસાફરોને એરલાઈન અધિકારીઓ અને સુરક્ષાની કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. હાલ ઉત્તર ભારતના પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે.