આદિત્ય બાદ હવે સંજય રાઉતે રેલવે પ્રધાનને ઝાટ્ક્યા, કહ્યું કે મુંબઈ કરો…
મુંબઈઃ મુંબઈના બાન્દ્રા ટર્મિનસ ખાતે થયેલી દોડભાગમાં નવ જણ ઘાયલ થયાની અને બે જણ ગંભીર હોવાની ખબરે રેલવે વિભાગને સાબદી કરી દીધી છે. દિવાળીના સમયે લોકો લાખોની સંખ્યામાં પોતાના શહેર કે રાજ્યમાં જતા હોવાથી ટ્રેન અને બસ સ્ટેશનો પર ભારે ભીડ જોવા મળે છે. આ સ્થિતિ માત્ર બાન્દ્રા ખાતે જ નહીં રાજ્યના કોઈપણ મોટા રેલવે જંકશન ખાતે જોવા મળશે ત્યારે મુંબઈમાં ઊભી થયેલી આ સ્થિતિ માટે શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને તેમના ખાતાની ટીકા કરી છે.
Also Read : Breaking News : Mumbai ના બાંદ્રા રેલવે સ્ટેશન પર નાસભાગ મચી, નવ મુસાફરો ઘાયલ
તેમણે જણાવ્યું હતું કે રેલવે માત્ર બુલેટ ટ્રેનના કામમાં રસ લઈ રહી છે અને મુંબઈના પ્રવાસીઓને અવગણવામાં આવી રહ્યા છે. મુંબઈ સૌથી વધારે મહેસૂલ આપે છે, પરંતું અહીંના પ્રવાસીઓને સુવિધાના નામે કંઈ નથી મળતું. તેમને મરવા માટે છોડી દેવાય છે.
તેમણે અશ્વિની વૈષ્ણવની ટીકા કરતા જણાવ્યું કે તેઓ ખૂબ શિક્ષિત છે અને આઈઆઈટી જેવી સંસ્થા સાથે જોડાયેલા છે, પરંતુ સામાન્ય જનતાની સમસ્યાને સમજવામાં તેઓ નિષ્ફળ ગયા છે.
તેમણે એવો આક્ષેપ પણ કર્યો કે અત્યાર સુધીમાં મોદી-3.0ના શાસનમાં 25 રેલ દુર્ઘટનાઓ થઈ છે, પરંતુ કોઈ પગલાં લેવાયા નથી. બાન્દ્રાની ઘટનાની જવાબદારી કોની તેવો સવાલ પણ તેમણે કર્યો હતો. અગાઉ શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ પણ રેલવે પ્રધાનની ટીકા કરી હતી. તેમણે વૈષ્ણવને રેલ પ્રધાનની બદલે રીલ પ્રધાન કહ્યા હતા. વૈષ્ણવ રેલવેના વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર પોસ્ટ કરતા રહે છે, પરંતુ આ મામલે તેઓ ટ્રોલ પણ થાય છે.
બાન્દ્રાની ઘટના બાદ સુરતના ઉધના સ્ટેશનનો વીડિયો પર વાયરલ થયો હતો.