ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ રાષ્ટ્રીય ભાવનાનું અપમાન: ઉદ્ધવ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવી એ રાષ્ટ્રીય ભાવનાઓનું અપમાન છે કારણ કે ભારતીય સૈનિકો સરહદો પર પોતાના જીવનું બલિદાન આપી રહ્યા છે અને સમગ્ર મહારાષ્ટ્રમાં ‘સિંદૂર’ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી.
મુંબઈમાં એક પત્રકાર પરિષદને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે રવિવારે યોજાનારી બંને દેશો વચ્ચેની એશિયા કપ મેચનો બહિષ્કાર કરવો એ આતંકવાદ પર ભારતના વલણને વિશ્ર્વ સમક્ષ રજૂ કરવાની તક છે.
ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં તેમણે આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું કે શું સરકાર ઓપરેશન સિંદૂર બંધ કરવાની જાહેરાત કરશે અને ‘દેશભક્તો’ને એવી અપીલ કરી હતી કે તેઓ ક્રિકેટ મેચ ન જુએ કારણ કે પહલગામ આતંકવાદી હુમલાના ઘા હજુ તાજા છે.
આપણ વાંચો: પોતાને વાઘ કહેતી કાળી બિલાડીઓ રસ્તામાં આવી રહી છે: ઉદ્ધવ ઠાકરે
‘આ ક્રિકેટ મેચ રાષ્ટ્રીય ભાવનાઓનું અપમાન છે. શું આપણે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવું જોઈએ જ્યારે આપણા સૈનિકો સરહદો પર પોતાના જીવનું બલિદાન આપી રહ્યા છે?’ એવો સવાલ ઠાકરેએ કર્યો હતો.
કેન્દ્ર સરકારની ટીકા કરતાં ઠાકરેએ ક્રિકેટ મેચને દેશભક્તિની મજાક ગણાવતાં કહ્યું હતું કે આ મેચનો બહિષ્કાર કરવાથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ વિશે દુનિયાને એક મજબૂત સંકેત મળશે.
‘આ (અવિભાજિત) શિવસેનાના વડા (બાળ ઠાકરેનું) વલણ હતું. જો લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી, તો ક્રિકેટ અને લોહી (સાથે) કેવી રીતે ચાલી શકે?’ એમ જણાવતાં તેમણે આરોપ લગાવ્યો કે તેઓ (ભાજપ) દેશભક્તિના નામે વેપાર કરી રહ્યા છે.
આપણ વાંચો: ભારતની ટીમ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમશે, હવે સિંદૂર ક્યાં ગયું?: ઉદ્ધવ ઠાકરે…
ઠાકરેએ કહ્યું કે સેના (યુબીટી) મેચ સામે વિરોધ પ્રદર્શન કરશે. તેમણે કહ્યું હતું કે પાર્ટીની મહિલા કાર્યકરો સિંદૂર એકત્રિત કરશે અને તેને વડા પ્રધાન કાર્યાલયમાં મોકલશે.
ઠાકરે પરિવારના મુંબઈ સ્થિત નિવાસસ્થાન માતોશ્રી ખાતે બાળ ઠાકરે અને પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદ વચ્ચે થયેલી જૂની મુલાકાતનો ઉલ્લેખ કરતા ઉદ્ધવે કહ્યું હતું કે, ‘મારા પિતાએ જાવેદ મિયાંદાદને કહ્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાનમાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી કૃત્યો ચાલુ રહેશે નહીં ત્યાં સુધી ક્રિકેટ રમાશે નહીં.’
‘જ્યાં સુધી આતંકવાદ બંધ ન થાય ત્યાં સુધી આપણે પાકિસ્તાન સાથે કોઈ સંબંધ ન રાખવો જોઈએ,’ એમ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું.
પાકિસ્તાન અંગે કેન્દ્ર સરકારના વલણ પર સવાલ ઉઠાવતા ઠાકરેએ કહ્યું કે ભારતની વિદેશ નીતિ નબળી સાબિત થઈ છે અને એવું લાગે છે કે દેશને પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર હવે પાછું મળશે નહીં.
‘તમે કહેતા હતા કે પાકિસ્તાન આતંકવાદ ફેલાવી રહ્યું છે અને હવે તમે તે જ દેશ સાથે ક્રિકેટ રમી રહ્યા છો. શું પાકિસ્તાન આતંકવાદી રાજ્ય છે કે નહીં? શું તે આપણો દુશ્મન છે કે નહીં? સૈનિકો શહીદ થઈ રહ્યા છે અને આ લોકો ક્રિકેટ રમે છે. આ સારું નથી,’ એમ ઠાકરેએ ઉમેર્યું હતું.
ઓપરેશન સિંદૂર સાતમી મે, 2025ના રોજ પહલગામ આતંકવાદી હુમલા પછી શરૂ કરવામાં આવ્યું હતું, તે નિયંત્રણ રેખા પાર અને પાકિસ્તાનની અંદર આતંકવાદી માળખાને તોડી પાડવા માટે સશસ્ત્ર દળો દ્વારા એક નિર્ધારિત અને લક્ષ્યાંકિત ઝુંબેશ હતી.
આ દરમિયાન, ઠાકરેએ 1980ના મોસ્કો ઓલિમ્પિકનો અમેરિકા દ્વારા બહિષ્કાર અને તેના સાથી દેશો દ્વારા અફઘાનિસ્તાનમાં ભાગ ન લેવાનો ઉલ્લેખ કર્યો હતો. તેની સામે રશિયાએ લોસ એન્જલસમાં 1984ના સમર ઓલિમ્પિકમાં જોડાયો ન હતો, કારણ કે સોવિયેત યુનિયન અને 13 સાથી દેશોએ રમતોનો બહિષ્કાર કર્યો હતો, એમ તેમણે ઉમેર્યું હતું.
1979ના અંતમાં અફઘાનિસ્તાન પર સોવિયેત આક્રમણના વિરોધમાં અમેરિકાએ મોસ્કોમાં યોજાયેલા સમર ઓલિમ્પિક ગેમ્સનો બહિષ્કાર કર્યો હતો. કુલ 65 દેશોએ આ ગેમ્સમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે 80 દેશોએ ખેલાડીઓને સ્પર્ધામાં મોકલ્યા હતા.