ઇઝરાયલ અને હમાસ જેવા મુદ્દાઓ પર ભારતે ક્યારેય સંઘર્ષ જોયો નથી: ભાગવત
નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે, ભારતે ક્યારેય હમાસ-ઈઝરાયલ યુદ્ધ જેવા મુદ્દાઓ પર ઝઘડો જોયો નથી કારણકે હિન્દુ ધર્મ તમામ સંપ્રદાયોનું સન્માન કરે છે.
તેઓ શનિવારે અહીંની એક શાળામાં મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકનાં ૩૫૦ વર્ષ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.
ભાગવતે વધુમાં કહ્યું કે આ દેશમાં એક એવો ધર્મ, સંસ્કૃતિ છે જે તમામ સંપ્રદાયો અને આસ્થાઓનું સન્માન કરે છે અને તે હિંદુ ધર્મ છે. આ હિંદુઓનો દેશ છે. તેનો અર્થ એ નથી કે આપણે બીજા બધા (ધર્મોને) નકારી કાઢીએ છીએ.
કહેવાની જરૂર નથી કે અહીં મુસ્લિમો પણ સુરક્ષિત છે. ફક્ત હિંદુઓ જ આ કરી શકે છે. ફક્ત ભારતમાં જ આ શક્ય છે. અન્યોએ આ કર્યું નથી.
બાકી દરેક જગ્યાએ ઝઘડા ચાલી રહ્યા છે. તમે યુક્રેનના યુદ્ધ, હમાસ-ઈઝરાયલ યુદ્ધ વિશે સાંભળ્યું જ હશે. આપણા દેશમાં ક્યારેય આવા મુદ્દાઓ પર યુદ્ધો થયા નથી.
શિવાજી મહારાજના સમયમાં આ પ્રકારની વિદેશી ઘૂસણખોરી હતી, પરંતુ આપણે ક્યારેય લડ્યા નથી. કોઈપણ સાથે આ મુદ્દા પર લડાઈ કરી નથી. તેથી જ આપણે હિંદુ છીએ, આરએસએસ વડાએ કહ્યું.
(પીટીઆઈ)