આમચી મુંબઈટોપ ન્યૂઝ

વિદેશી હૂંડિયામણની અનામત 1.78 અબજ ડૉલર ઘટી…

મુંબઈ: ગત 28મી ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની વિદેશી હૂંડિયામણની અનામત 1.781 અબજ ડૉલરના ઘટાડા સાથે 638.698 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે અનામત 4.758 અબજ ડૉલર વધીને 640.479 અબજ ડૉલરની સપાટીએ રહી હતી.

Also read : વેપારને પ્રોત્સાહન: 24 ચેકપોઇન્ટ 15મી એપ્રિલ સુધી બંધ થશે

અગાઉ સપ્ટેમ્બર, 2024ના અંતે દેશની વિદેશી હૂંડિયામણની અનામત વધીને 704.885 અબજ ડૉલરની વિક્રમ સપાટીએ પહોંચી હતી. જોકે, ત્યાર બાદ વૈશ્વિક વિનમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં થઈ રહેલા ધોવાણને ખાળવા માટે રિઝર્વ બૅન્ક દ્વારા હાજર બજારમાં સતત હસ્તક્ષેપ થઈ રહ્યો હોવાથી અનામતમાં ઘટાડા તરફી વલણ જોવા મળ્યું હતું.

દરમિયાન સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામતમાં બહોળો હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો 49.30 કરોડ ડૉલર ઘટીને 543.35 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. જોકે, વિદેશી ચલણી અસ્ક્યામતોમાં સપ્તાહ દરમિયાન ડૉલર સિવાયના મુખ્ય ચલણો જેમ કે યુરો, પાઉન્ડ, યેન વગેરે સામે થયેલી રૂપિયામાં વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે.

Also read : અરે બાપરે… આ ત્રણ અરબોપતિની સંપત્તિમાં નોંધાયો ઘટાડોઃ જૂઓ કોણ છે જેની સંપત્તિને અસર નથી થઈ

વધુમાં સપ્તાહ દરમિયાન દેશની સોનાની અનામત 1.304 અબજ ડૉલર ઘટીને 73.272 અબજ ડૉલરના સ્તરે અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત 1.2 કરોડ ડૉલર ઘટીને 4.078 અબજ ડૉલરની સપાટીએ રહી હતી, જ્યારે એકમાત્ર ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 2.7 કરોડ ડૉલર વધીને 17.998 અબજ ડૉલરની સપાટીએ રહ્યા હોવાનું રિઝર્વ બૅન્કે યાદીમાં ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button