વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર,મહારાષ્ટ્ર તેની કરોડરજ્જુ બનશે: ફડણવીસ…
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્ર્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું છે, જેમાં ગતિ, પારદર્શિતા અને સર્વસમાવેશકતાને આવરી લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો : કુર્લા બસ અકસ્માત કે જાણીજોઇને કરેલું કૃત્ય?, પોલીસ તપાસમાં નવો વળાંક
મુંબઈમાં વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમને સંબોધતા ફડણવીસે કહ્યું હતું કે, ‘મોદીનું હિન્દુ વિકાસ દર મોડેલ’ સમગ્ર વિશ્ર્વને એક નવી દિશા દાખવશે, જ્યારે તે સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બનશે. હિન્દુ વિકાસ દર 1950 અને 1980 ના દાયકા વચ્ચે ભારતના ધીમા આર્થિક વિકાસ તરફ નિર્દેશ કરે છે.
તેમણે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર પણ આ વિકાસ યાત્રાનો ભાગ બનવા અને 2028 સુધીમાં ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાની અપેક્ષા ધરાવે છે.
ફડણવીસે જણાવ્યું હતું કે, સરકાર માળખાકીય વિકાસ પર જોરસ આપવાની સાથે જ રાજ્યમાં ગ્રીન એનર્જી અને જળ સંરક્ષણના ક્ષેત્રમાં કામ કરી રહી છે.
તેમણે ટેકનોલોજીને સમાવિષ્ટ ગણાવી અને કહ્યું હતું કે, તે વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ફડણવીસે કહ્યું હતું કે, પીએમ મોદી ટકાઉ વિકાસમાં માને છે અને અર્થશાસ્ત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપરાંત સાંસ્કૃતિક અને સામાજિક પ્રગતિ માટે પણ કામ કર્યું છે.
તેમણે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે મહારાષ્ટ્રને કરોડરજ્જુ બનાવીને ભારત આર્થિક મહાશક્તિ બનશે.
ફડણવીસે કહ્યું હતું કે, આગામી વર્ષોમાં મુંબઈ દેશની ફિનટેક રાજધાની બનશે.
તેમણે આર્થિક અને સામાજિક ક્ષેત્રોમાં હિન્દુ નીતિઓ પર આધારિત વિકાસ દ્રષ્ટિકોણ આપવા બદલ વિશ્ર્વ હિન્દુ આર્થિક મંચની પ્રશંસા કરી.
ફડણવીસે કહ્યું હતું કે પશ્ર્ચિમી વિશ્ર્વ ‘સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ’ (સૌથી તાકાતવર ટકશે)ના સિદ્ધાંતમાં માને છે, પરંતુ હિન્દુ નીતિઓ અનુસાર, જે પણ જન્મે છે તે દરેક જીવશે, અને સમાજે સુનિશ્ર્ચિત કરવું જોઈએ કે આવું જ થાય.
તેમણે કહ્યું કે ભારતની પ્રગતિ અને વિકાસ દમન અને સંસ્થાનવાદમાંથી જન્મ્યો નથી. અમે (કોઈના પર) આક્રમણ અને લૂંટ ચલાવી નથી, પરંતુ આપણી પોતાની શક્તિ પર વિકાસ કર્યો છે.
આ પણ વાંચો : પાટનગર પોલિટિક્સઃ દેવેન્દ્ર ફડણવીસે મોદી સાથેની ચર્ચાની વિગતો જણાવી!
વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમનો ઉદ્દેશ્ય હિન્દુ સમાજમાં આર્થિક રીતે સફળ તત્વો જેમ કે વેપારીઓ, ટેક્નોક્રેટ્સ અને ઉદ્યોગપતિઓ તેમજ અર્થશાસ્ત્રીઓ અને વિચારકોને અનુભવ, કુશળતા અને સંસાધનોની વહેંચણી માટે એકસાથે લાવવાનો છે. તે 13 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર દરમિયાન શહેરમાં યોજાશે.