વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન, આરબીઆઈ ગવર્નરે કરી રોકાણ માટે અપીલ

મુંબઇ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરની જાહેરાતથી વિશ્વના શેરબજારોમાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. ત્યારે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાઓ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ અમેરિકન ઉદ્યોગોને ભારતમાં રોકાણ કરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે ભારત નીતિગત સ્થિરતા અને નિશ્ચિતતા સાથે સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર રહ્યું છે. તેમણે કહ્યું કે મજબૂત બેલેન્સ શીટ, પૂરતો કેશ ફલો અને મૂડી વ્યવસ્થાપન સાથે ભારતનું બેંકિંગ ક્ષેત્ર ઉદ્યોગની રોકાણ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
ભારત 6.5 ટકાના દરે વૃદ્ધિ કરશે તેવો આશાવાદ
આરબીઆઈ ગવર્નરે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી અને યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ ના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે વૈશ્વિક નાણાકીય બજારોમાં વધતી અનિશ્ચિતતા અને અસ્થિરતા છતાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારત 6.5 ટકાના દરે વૃદ્ધિ કરશે તેવો આશાવાદ છે.
બેંકિંગ ક્ષેત્ર ઉદ્યોગને મદદ કરવા તૈયાર છે
આરબીઆઈ ગવર્નરે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે ઘણી વિકસિત અર્થવ્યવસ્થાઓ આર્થિક પડકારોનો સામનો કરી રહી છે. ત્યારે ભારત મજબૂત વૃદ્ધિ અને સ્થિરતા દર્શાવી રહ્યું છે. આ સ્થિતિમાં લાંબા ગાળાના મૂલ્ય અને તક શોધતા રોકાણકારો માટે તે એક સ્વભાવિક પસંદગી બની ગઈ છે.
ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપું છું.
તેમણે કહ્યું કે ભારત એક એવી અર્થવ્યવસ્થા છે જે નાણાકીય, રાજકીય અને નીતિગત સ્થિરતા, અનુકૂળ વ્યવસાયિક વાતાવરણ અને મજબૂત મેક્રોઇકોનોમિક ફંડામેન્ટલ્સ દ્વારા સમર્થિત છે. આરબીઆઈ ગવર્નરે વધુમાં કહ્યું કે આપણી પાસે ભવિષ્યને સાથે મળીને ઘડવાની તક છે. ફક્ત ભારત માટે જ નહીં પરંતુ એક સારા વિશ્વ માટે. હું તમને નવીનતા લાવવા અને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપું છું.
વિદેશી પ્રત્યક્ષ રોકાણ વધીને 75.1 બિલિયન ડોલર થયું
સંજય મલ્હોત્રાએ વધુમાં જણાવ્યું હતું કે વિદેશી રોકાણકારોનો ભારતમાં વિશ્વાસ યથાવત છે અને આ વાત દેશમાં આવતા કુલ વિદેશી સીધા રોકાણમાં થયેલા વધારા દ્વારા પણ સ્પષ્ટ થાય છે. તેમણે કહ્યું કે એપ્રિલ 2024 થી ફેબ્રુઆરી 2025 સુધીમાં, ભારતમાં કુલ વિદેશી પ્રત્યક્ષ રોકાણ વધીને 75.1 બિલિયન ડોલર થયું છે. જે એક વર્ષ પહેલાના સમાન સમયગાળામાં લગભગ 65.2 બિલિયન ડોલર હતું. આ સાથે આરબીઆઈએ એવી પણ આશા વ્યક્ત કરી કે આર્થિક વિકાસ દર 6.5 ટકા રહેશે.
આપણ વાંચો: અક્ષય તૃતીયાના દિવસે સોનાનો ભાવ ઓલ ટાઇમ હાઇ પહોંચવાની શકયતા, જાણો લેટેસ્ટ ભાવ